ઓસ્ટ્રેલિયા પોતાની દેશની ચલણી નોટો પરથી બ્રિટિશ રાજાશાહીની તસવીરો હટાવશે. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્વીન અલિઝાબેથ ૨ના નિધન પછી ૫ ડૉલરની નોટ પરથી તેમની તસવીર હટાવવાની હતી અને તેમની જગ્યાએ કિંગ ચાર્લ્સની તસવીર લગાવવમાં આવવાની હતી. પરંતુ હવે તેવું નહીં થાય. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના બંધારણમાં રાજાશાહી પ્રણાલી છે અને તે પ્રમાણે બ્રિટેનના રાજા અથવા રાણી તેમના સંસદના વડા હોય છે. તે અંતર્ગત જ તેમની તસવીરો ઓસ્ટ્રેલિયાની બેન્ક નોટ્સ પર છાપવામાં આવે છે. ૧૦૦ વર્ષ પછી આ પરંપરા તૂટશે. કિંગ ચાર્લ્સની તસવીરને બદલે હવે ઓસ્ટ્રેલિયાના મોટા સ્થાનિક નેતાની તસવીર બેન્ક નોટ પર છાપવામાં આવશે. આ માટે બેન્કે સૂચનો પણ માગ્યા છે.
સેન્ટ્રલ બેન્કે કહ્યું હતું કે, નવી ડિઝાઈન દ્વારા ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ અને ઈતિહાસને ટ્રીબ્યુટ આપવામાં આવશે. તેમાં થોડા વર્ષો લાગશે. બેન્કે સરકાર સાથે વાત કર્યા બાદ આ ર્નિણય લીધો છે. બેન્ક નોટો પર કિંગ ચાર્લ્સની તસવીર ન છાપવાના ર્નિણયને ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમુદાયે આવકાર્યો છે.તેમનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ હવે બ્રિટનના પ્રભાવમાંથી બહાર નીકળવું પડશે. જે સમુદાય છેલ્લા ૬૫ હજાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે તેને મહત્વ આપવું જોઈએ કે જેમને મૂળ રહેવાસી કહેવાય છે.
ક્વીન એલિઝાબેથના અવસાન બાદ ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર બ્રિટનના રાજાને પોતાના દેશના બંધારણીય વડા તરીકે ગણવો કે નહીં તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જેને લઈને એન્થની અલ્બેનીઝની સરકાર પર ચૂંટણી કરાવવા માટે પણ દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જો કે, ૧૯૯૯માં એક જનમત સંગ્રહ પણ થયો હતો જેમાં બંધારણીય રાજાશાહીને ટેકો આપનાર પક્ષ બહુ ઓછા મતોથી જીત્યો હતો. અલજઝીરાના અહેવાલ મુજબ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બ્રિટિશ રાજાશાહી પ્રત્યે લોકોનો લગાવ ઘટ્યો છે.