ગેરકાયદેસર બાંધકામ-બોગસ સભાસદો માટેનું મોટુ કૌભાંડ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલ શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દો હવે વકરતો જાય છે. શકિત-૨૧ કોમ્પલેક્ષ લડત સમિતિના સભ્યોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ કોમ્પલેક્ષમાં બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ જશુભાઇ પટેલ દ્વારા પાંચમાં માળે અને ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં ખચકાઇ રહ્યું છે કારણ કે, અમ્યુકો તંત્રના અધિકારીઓ અને બિલ્ડરની સાંઠગાંઠ વચ્ચે મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.

એટલું જ નહી, બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ દ્વારા સંકુલના વહીવટ વિવાદમાં સોસાયટીના બોગસ સભાસદો ઉભા કરી તેમના નામે ભૂતિયા શેરસર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવાયા હોવાનું ગંભીર કૌભાંડ આચરાયું હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં હવે શકિત-૨૧ કોમ્પલેક્ષ લડત સમિતિના સભ્યો તરફથી આગામી ત્રણેક દિવસમાં બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ તથા અન્યો વિરૂદ્ધ સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે એમ અત્રે શકિત-૨૧ કો.કો.ઓ.હા.સો.લિના અજય મોદી, દેવલ મોદી અને આલાપ મોદીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.લિ મંડળીનો વહીવટ બિલ્ડરની ડમી કમીટી દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગના તમામ કોમર્શીયલ યુનિટ્‌સનું વેચાણ થઇ ગયુ છે અને બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ દ્વારા સભ્યો પાસેથી ૪૫ ટકા સુપર બિલ્ટઅપ એરિયા પ્રમાણે પૈસા પણ વસૂલી લેવાયા છે, તેમછતાં બિલ્ડર દ્વારા હજુ સુધી સોસાયટીનો વહીવટ તેના કાયદેસરના સભ્યોને સોંપ્યો નથી. એટલું જ નહી, ચાર માળની પરવાનગી હોવા છતાં બિલ્ડરે પાંચમા માળે ધાબા-ટેરેસ પર પર ગેરકાયદેસર ઓફિસ અને બાંધકામ કર્યું છે. તો, ગ્રાઉન્ડ ફલોરમાં પણ પાર્કિગની જગ્યામાં દુકાનો ઉતારી દીધી છે.

આ સમગ્ર મામલે સમિતિના સભ્યો શાર્દૂલભાઇ, કિરીટ પટેલ, હાર્દિક ગર્ગ સહિતના આગેવાનો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી અને ગેરકાયદે બાંધકામને દૂર કરાયું નથી. બિલ્ડર ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી ભાજપના નામે દમ મારે છે અને અમ્યુકો તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ બિલ્ડરની ગેરકાયદે બાંધકામ અને બોગસ સભાસદો અને તેમના નામે ભૂતિયા શેરસર્ટિફિકેટ ઉભા કરવાના કૌભાંડને છાવરી રહ્યા છે.

શકિત-૨૧ કો.કો.ઓ.હા.સો. લિના અજય મોદી, દેવલ મોદી અને આલાપ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, શકિત-૨૧ના જેન્યુઇન સભ્યો દ્વારા આ સમગ્ર મામલે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટે કમીટીને કોઇ કાર્યવાહી સામે સ્ટે ફરમાવ્યો છે પરંતુ જિલ્લા સહકારી રજિસ્ટ્રારે સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ સોસાયટીમાં વહીવટદારની નિમણૂંક કરી દીધી છે. આ હુકમથી નારાજ બિલ્ડર તરફથી ગાંધીનગર એપેલેટ કોર્ટમાં અપીલ દાખલ કરી દેવાઇ છે, તેમાં પણ અરજદાર તરીકે જે સભ્યો દર્શાવ્યા છે, તેમના રહેઠાણ શકિત-૨૧ દર્શાવાયા છે, જે શકય જ નથી. કારણ કે, શકિત-૨૧ કોમર્શીયલ કોમ્પલેક્ષ છે અને અહીં કોઇ રહેતું જ નથી. તેથી અરજદાર તરીકે દર્શાવેલા નામો પણ બિલ્ડરે ઉભા કરેલા અને ભૂતિયા હોવાની શકયતા નકારી શકાતી નથી.

આ સમગ્ર કૌભાંડમાં અમ્યુકો તંત્ર, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ સમિતિના સભ્યોએ કરી હતી. જા તેમ નહી થાય તો, ત્રણ દિવસમાં સમિતિના સભ્યો તરફથી બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ તથા અન્યો વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાશે.

Share This Article