નવી દિલ્હી : નાણાકીય સંકટનો સામનો કરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકી દેશ ઇથોપિયામાં સ્થાનિક લોકોએ બાનમાં પકડી લીધા છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા કર્મચારીઓના દાવામાં ચકાસણી કરી રહી છે. આ કર્મચારીઓનો દાવો છે કે કંપનીના ૧૨.૬ અબજ ડોલરના લોન ડિફોલ્ટ બાદ લોકલ સ્ટાફને પગારની ચુકવણી કરવામાં આવી નથી. ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા છે. સાત ભારતીય કર્મચારીઓને ઈથોપિયાની ત્રણ જુદી જુદી જગ્યાએ ૨૫મી નવેમ્બરથી બાનમાં પકડી લેવામાં આવ્યા છે. આ કર્મચારીઓ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ મુજબ ઓરોમિયા અને અહમરા સ્ટેટમાં તેમને પકડી લેવામાં આવ્યા છે.
બાનમાં પકડી લેવામાં આવેલા કર્મચારીઓનું કહેવું છે કે ભારતીય અને સ્પેનિશ કંપનીના જાઈન્ટ વેન્ચર દ્વારા બનાવવામાં આવી રહેલા કેટલાક માર્ગો પર કામ રોકવામાં આવ્યા બાદ સ્થાનિક કર્મચારીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. તેમનું કહેવું છે કે સ્થાનિક અધિકારી અને પોલીસ પણ લોકલ સ્ટાફના લોકોની તરફેણમાં છે. વિદેશ મંત્રાલય અને ઇથોપિયામાં ભારતીય દૂતાવાસના અધિકારી સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે. ભારતીય દૂતાવાસના એક અધિકારીએ કહ્યું છે કે આ મામલામાં નજર રાખવામાં આવી રહી છે. મામલાનો નિકાલ લાવવા માટે તમામ પ્રયાસ થઈ રહ્યા છે. નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયના એક અન્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. બ્લુમબર્ગના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.