ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગની સ્થાપના માટેના MoU મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આવા પાંચ સેન્ટર ઓફ એકસલન્સ દેશભરમાં શરૂ કરવાના ભાગરૂપે ગુજરાતે આ પહેલ કરી છે.આ અંતર્ગત IIT ગાંધીનગરના સહયોગથી ઇન્કયુબેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ સેન્ટર કાર્યરત કરવાનો મૂળભૂત હેતુ આરોગ્ય, ખેતી, ઉત્પાદન વગેરે ક્ષેત્રોમાં નવા ઇનોવેશન્સ માટે સ્ટાર્ટઅપ યુવાઓને વ્યાપક સુવિધા પ્રાપ્ત કરાવવાનો છે.
મુખ્યમંત્રીએ આ સેન્ટરને ગુજરાત માટે ગૌરવ ઘટના ગણાવતાં કહ્યું કે, ગુજરાતની યુવા પેઢીમાં રહેલી ઊદ્યોગ સાહસિક ક્ષમતાથી યુવા સ્ટાર્ટઅપને IIT ગાંધીનગર અને નાસ્કોમ જેવી આધુનિક જ્ઞાન સુવિધા સંપન્ન તજ્જ્ઞતાનો લાભ મળશે. વિકસીત દેશોમાં આ પ્રકારના સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગ્સનો જે ખ્યાલ છે તે હવે ગુજરાતના યુવાઓને પણ ઘરે બેઠાં પ્રાપ્ત થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગાંધીનગર આઇઆઇટી ખાતે આ સહયોગાત્મક પહેલ દ્વારા ડિજિટલ ટેક્નોલોજીને અપનાવવામાં મદદ કરીને તેમજ સ્ટાર્ટઅપ્સને અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ પ્રદાન કરીને ગુજરાતના ઉદ્યોગોની સ્પર્ધાત્મક્તા વધારવાનો પ્રયાસ કરાશે.
આ પહેલ એક એવા પ્લેટફોર્મની રચના કરશે જેમાં ઉદ્યોગથી લઇને શિક્ષણજગત સુધીના લોકો ઇન્ડસ્ટ્રી ૪.૦ માટે ડિજિટલ સોલ્યૂશન્સનું સહ-સર્જન કરી શકશે. નાસકોમ શ્રેષ્ઠતમ્ રિસર્ચ બજાર સુધી પહોંચાડવા માટે શિક્ષણજગત, કંપનીઓ, નીતિના રચયિતાઓને સાંકળતા સેતુની ભૂમિકા ભજવશે અને ટેકનોલોજી ઇન્ટરવેન્શન માટે યુઝ કેસિઝ પસંદ કરવામાં ઉદ્યોગજગત અને સરકાર સાથે ખભેખભા મિલાવીને કામ કરશે.