નવીદિલ્હી: શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રોથનો આંકડો જારી કરી દેવામાં આવ્યો હતો. આ આંકડો જુલાઈ મહિના માટેનો જારી કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં આઈઆઈપી ગ્રોથનો આંકડો ૬.૯ ટકા હતો જે જુલાઈ મહિનામાં ઘટીને ૬.૬ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરુપે આ અસર થઇ છે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો આંકડો ૬.૬ ટકા રહેવા માટે અન્ય પરિબળો પણ છે. પાંચ મહિનાની ઉંચી સપાટીથી આ આંકડો નીચે પહોંચી ગયો છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી નિરાશાજનક સ્થિતિ રહી છે. આ ઇન્ડેક્સમાં ગ્રોથ ૭ ટકાનો રહ્યો છે જે જુનમાં ૬.૯ ટકાની આસપાસનો હતો. ઇન્ડેક્સનો આંકડો ૭૭.૬ ટકા રહ્યો છે. જીડીપીના આંકડા હાલમાં જ જારી કરવામાં આવ્યા હતા જેમાં આસાસ્પદ ચિત્ર ઉપસી આવ્યું હતું. ઇલેક્ટ્રીસિટી જનરેશનમાં જુલાઈ મહિનામાં ૬.૭ ટકાનો વધારો થયો હતો જ્યારે જૂન મહિનામાં આ આંકડો ૮.૫ ટકાનો રહ્યો હતો. માઇનિંગમાં ગ્રોથ ૩.૭ ટકા હતો જે અગાઉ ૬.૬ ટકાનો હતો. મેન્યુફેક્ચરિંગમાં ૨૩ સબ સેક્ટરોમાં ૨૦ સેક્ટરોમાં મંદીની સ્થિતિ જાવા મળી રહી છે. આગામી દિવસોમાં અન્ય આંકડાઓની પણ સીધી અસર જોવા મળી શકે છે.
અન્ય આંકડાઓ પણ જારી કરવામાં આવ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૧૮માં એક્સપોર્ટનો કારોબાર ૨૭.૮૪ અબજ ડોલરનો રહ્યો છે જેમાં ૧૯.૨૧ ટકાનો પોઝિટિવ ગ્રોથ નોંધાયો છે. પેટ્રોલિયમ સિવાય નિકાસનો આંકડો ૧૭.૪૩ ટકાનો પોઝિટિવ ગ્રોથ દર્શાવે છે. જ્યારે આયાતમાં ઓગસ્ટમાં ૨૫.૪૧ ટકા સુધીનો વધારો થયો છે. અને આ આંકડો ૪૫.૨૪ અબજ ડોલરનો રહ્યો છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે.
ટ્રેડ ડેફિસિટનો આંકડો ૧૭.૪ અબજ ડોલરનો રહ્યો છે. જુલાઈ મહિનામાં ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટીએ રહ્યો હતો અને આ આંકડો ૧૮.૦૨ અબજની પાંચ વર્ષની ઉંચી સપાટીએ રહ્યો હતો. આ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન નિકાસ ૧૬.૧૩ ટકાનો રહ્યો છે જ્યારે આયાતનો આંકડો આ નાણાંકીય વર્ષમાં પ્રથમ પાંચ મહિના દરમિયાન ૧૭.૩૪ ટકા સુધીનો વધારો નોંધાયો છે. આઈઆઈપીના આંકડાને લઇને કોર્પોરેટ જગત અને શેરબજારમાં પણ ચર્ચા જાવા મળી રહી હતી. આજે શેરબજારમાં ગણેશ મહોત્સવની રજા રહેનાર છે જેથી શુક્રવારના દિવસે કારોબાર શરૂ થશે ત્યારે તેની સીધી અસર બજાર ઉપર નોંધાઈ તેમ માનવામાં આવે છે. આગામી દિવસોમાં અન્ય આંકડાઓ પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈ આ તમામ આંકડાઓના આધાર પર જ પોલિસી નિર્ણય કરશે.