IIMને રિસર્ચ માટે પરિવહન તેમજ ચા-નાસ્તાનો ખર્ચ મળશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અથવા બીજા કારણને આગળ ધરીને અનેકવાર જે તે સંસ્થાને જે તે વિષય પર રિસર્ચ કરવાની કામગીરી સોંપાય છે. અમુક કિસ્સામાં કોઇ સંસ્થા રિસર્ચ માટેનો ખર્ચ દર્શાવીને તેની મંજૂરી સક્ષમ સત્તા પાસેથી મેળવે છે. પરંતુ આઇઆઇએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને અર્બન હેલ્થકેર મેનેજમેન્ટના મામલે શહેરમાં રિસર્ચ કરવાની કામગીરી સોંપવાની તંત્રની એક દરખાસ્તને હેલ્થ કમિટીએ એક પ્રકારે ફગાવી છે. ગઇકાલે મળેલી હેલ્થ કમિટીમાં શાસકોએ આ સંસ્થાને રિસર્ચ માટે માત્ર ટ્રાન્સપોર્ટશન અને ચા-નાસ્તાનો ખર્ચ આપવાની તૈયારી બતાવતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે. ગઇકાલે સાંજે અમ્યુકો હેલ્થ કમિટીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અમદાવાદની આઇઆઇએમ સંસ્થાને શહેરમાં ઇફેકટિવ અર્બન હેલ્થકેર મેનેજમેન્ટ વિષય પર રિસર્ચ કરવાની કામગીરી સોંપવાની દરખાસ્ત તંત્ર દ્વારા મુકાઇ હતી. તંત્રની દરખાસ્ત મુજબ આઇઆઇએમને રિસર્ચ સ્ટડી કરીને તેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશને સૂચના કરવાની કામગીરી માટે રૂ.૩૦ લાખ વત્તા જીએસટીની મર્યાદામાં ખર્ચ કરવાની મંજૂરી આપવાની ભલામણ હેલ્થ કમિટીને કરાઇ હતી.

આ દરખાસ્ત અંગે હેલ્થ કમિટીમાં ચર્ચા થતા કમિટીના ચેરમેન પરેશ પટેલ, ડેપ્યુટી ચેરમેન જયેશ ત્રિવેદી અને કમિટીના સભ્યોને આઇઆઇએમને રિસર્ચ પેટે રૂ.૩૦ લાખ ચૂકવવાની તંત્રની દરખાસ્ત અવાસ્તવિક જણાઇ હતી. એટલે હેલ્થ કમિટીએ એક પ્રકારે તંત્રની દરખાસ્તને ફગાવી હતી. દરમ્યાન મ્યુનિસિપલ સૂત્રોએ જણાવ્યું હતું કે, હેલ્થ કમિટીએ રિસર્ચ માટેના રૂ.૩૦ લાખના ખર્ચને માત્ર રૂ.૩ લાખ સુધી મર્યાિદત કર્યા બાદ હવે આઇઆઇએમ રિસર્ચ માટે રસ દાખવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. અમ્યુકો સત્તાધીશો તરફથી હવે રિસર્ચ ખર્ચની બાબતમાં પણ કાપ મૂકાતાં આઇઆઇએમ જેવી સંસ્થાઓ ઉત્સાહ સાથે આગળ આવશે કે કેમ તે પણ એક સવાલ છે.

Share This Article