રાજનૈતિક દળ માટે ઇફ્તારના નામ પર રાજનીતિ કરવી તે કોઇ નવી બાબત નથી. એક તરફ કોંગ્રેસ ઇફ્તાર પાર્ટી દ્વારા મહાગઠબંધનનો પ્લાન કરી રહી છે તો બીજી તરફ ભાજપ મુસ્લિમ મહિલાઓ માટે એક સ્પેશિયલ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમમાં ફક્ત મુસ્લિમ મહિલાઓ અને વધારે પડતી ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓ તથા તેમના પરિવારજનોને સામેલ કરવામાં આવશે.
આ ઇફ્તાર પાર્ટીની ઘોષણા કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કરી છે. એવું મનવામાં આવી રહ્યું છે કે આ ઇફ્તાર પાર્ટીનું આયોજન અમિત શાહના કહેવા પર થઇ રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીની ઇફ્તાર પાર્ટી એક જ દિવસે રાખવામાં આવી છે. આવું પહેલી વાર થશે કે ભાજપ આટલો મોટો કાર્યક્રમ યોજશે.
બીજી તરફ કોંગ્રેસની આ પરંપરા રહી છે. નેહરુથી લઇને ઇંદિરા ગાંધી અને બાદમાં સોનિયા ગાંધી ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતા હતા. 2015માં આ પ્રથા પર વિરામ આવી ગયો હતો. તે વખતે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હતી. હવે 2018માં રાહુલ ગાંધીએ આ પરંપરાને ફરી શરૂ કરીને ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે.