અમદાવાદ : કુબેરનગરમાં રહેતી યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતાં યુવકે તેણી પર એસિડ છાંટીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદાનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં બે વર્ષ પહેલા યુવક અને યુવતીના સગાઇની વાત ચાલતી હતી પરંતુ જે તે સમયે યુવકના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હતી તેમ છતાં ગઇકાલે યુવકે લગ્ન કરવા દબાણ કરીને ધમકી આપી હતી.
કુબેરનગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકતી 23 વર્ષની યુવતીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પહેલા આરોપી સાથે યુવતીના સગપણ માટે વાતચીત ચાલતી હતી. પરંતુ જે તે સમયે યુવકના પરિવારજનોએ સગપણ માટે ના પાડી હતી. ત્યારબાદ વર્ષ પહેલા યુવકના લગ્ન બીજી યુવતી સાથે થયા હતા. બીજીતરફ ફરિયાદી યુવતી ગઇકાલે મંગળવાર બપોરે કુબેરનગર ફાટક પાસેથી પસાર થતી હતી ત્યારે આરોપીએ ફોન કરીને યુવતીને લગ્નના ઇરાદાથી મળવાની વાત કરી હતી. પરંતુ યુવતીએ મળવાની ના પાડી હતી. આ સાંભળીને યુવકે ધમકી આપી કે, તું મને નહીં મળે તો એસિડ છાંટીને તને જાનથી મારી નાંખીશ. જેથી યુવતી ગભરાઇ જતા તુરંત ઘરે પહોંચીને પરિવારજનોને વાત કરી હતી. આ અંગે ઘટના અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.