બિહારના પ્રભારી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ કેસ તથા નુકસાની વળતરનો દિવાની દાવો કરવા આજે ચેતવણી આપી હતી. રૂપાણીએ ગઇકાલે જ કોઇપણ આધાર વગર મિડિયા સમક્ષ પરપ્રાંતિયો પર થયેલા હુમલા માટે શÂક્તસિંહ ગોહિલને જવાબદાર ઠેરવ્યા હતા. શક્તિસિંહે કહ્યું હતું કે, યુવાનોને રોજગારી મળી રહી નથી. નોટબંધી અને જીએસટીના કારણે બેરોજગારી વધી છે. મુખ્યમંત્રી રૂપાણીએ પરપ્રાંતીયો પર થયેલા હુમલા પાછળ કોંગ્રેસના નેતાઓ હોવાનો આરોપ મુક્યો હતો. જેને પગલે આજે ભૂતપૂર્વ નેતા વિપક્ષ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટિ્વટ કરીને કહ્યું છે કે, જો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ મામલે માફી નહીં માંગે તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી સામે બે સપ્તાહમાં ક્રિમિનલ અને બદનક્ષીનો સિવિલ સ્યૂટ દાખલ કરશે.
રૂપાણીએ આડકતરી રીતે શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર પર હુમલાઓ માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે આજે શકિતસિંહ ગોહિલે તીખી પ્રતિક્રિયા આપી મુખ્યમંત્રીને ખુલ્લી ચીમકી આપી હતી.આ મામલે શક્તિસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો મારી સામે લેશ માત્ર પુરાવો હોય તો મને જેલમાં મોકલો. આ ઘટના બની ત્યારે હું બિહારમાં હતો. આ અંગે જાણ થતાં જ મેં શાંતિની અપીલ કરી હતી. મેં કહ્યું ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને બિહાર મહાત્મા ગાંધીની કર્મભૂમિ છે. આ એક અતૂટ સંબંધ છે અને કોઈ છૂટક ઘટના બને તો આ અમારા માટે શરમની વાત છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યા પછી આજે સમાચાર આવ્યા છે કે, ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા માટે શક્તિસિંહ જવાબદાર છે.
જો ગુજરાતના મુખ્યમંત્રી માફી નહી માંગે તો તેની સામે બે અઠવાડીયામાં ક્રિમિનલ કેસ અને બદનક્ષીનો સિવિલ સ્યૂટ દાખલ કરીશ. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાનો પણ આરોપ મુક્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિધ્નો ઉભા કરી રહી છે.
પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું. હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે. આ દરમિયાન વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નામ લીધા વગર તેમના નામનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના એક નેતા, કે જેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી છે, તેઓ બિહારીઓને રાજ્યમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. મુખ્યમંત્રીના આ વિવાદીત નિવેદનને પગલે આજે શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખુલ્લી ચીમકી આપી હતી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો દરરોજ થઇ રહ્યો છે. શક્તિસિંહે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો નથી. પાણી અને વિજળી મળી રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના લોકોનો રોષ વધતા યોજનાપૂર્વક કાવતરું ઘડીને પરપ્રાંતિય લોકો ઉપર હુમલા કરાવવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્યો અને નેતાઓ વિડિયો અને સોશિયલ મિડિયાના સંખ્યાબદ્ધ પુરાવા સામે આવ્યા છે.