અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્વચ્છતાને લઇ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ કડક વલણ અપનાવ્યુ છે અને તંત્રએ હવે એક યા બીજા પ્રકારની ગંદકી ચલાવી નહી લેવાનું મન બનાવ્યુ છે. શહેરને વધુ સ્વચ્છ-સુંદર બનાવવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાન હેઠળ પાન-મસાલા ખાઇને જ્યાં ત્યાં થૂંકવાની આદત ધરાવતા લોકો તેમજ પાનના ગલ્લા ધરાવતા ધંધાર્થીઓ સામે તંત્ર આગામી દિવસોમાં ભારે કડકાઇથી કામ લેવાનું છે. તેમાં પણ પાનના ગલ્લાએ ઊભા રહીને પાન કે મસાલો ખાઈને તત્કાળ તેની આજુબાજુના વિસ્તારમાં પીચકારી મારતા નાગરિકો માટે પાનના ગલ્લાવાળાઓએ ફરજિયાત પણે થૂંકદાની મૂકવી પડશે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં નાનાં-મોટાં શહેરનાં અમુક નાગરિકોમાં જાણ્યે-અજાણ્યે રસ્તા પર થૂંકવાની આદત જોવા મળે છે. આ લોકો પાન-મસાલા ખાઇને તેની પીચકારી મારીને અન્ય લોકોનાં કપડાં બગાડવાથી લઇને રોડ-રસ્તા, જાહેર કે અંગત મિલકતની દીવાલ, લિફટ વગેરેને બહુ ખરાબ રીતે બગાડી નાખે છે. અમદાવાદમાં એએમટીએસ કે બીઆરટીએસ બસના ડ્રાઇવર પણ ચાલુ બસે બારીમાંથી બહાર પાન-મસાલાની પીચકારી મારવામાં પાવરધા છે. અમુક મ્યુનિસિપલ ઓફિસોમાં પણ કેટલાક સ્ટાફને જાહેરમાં ગમે ત્યાં થૂંકવાની ખરાબ આદત છે. આવા સમયે સ્વચ્છતાને લગતા ગમે તેવા સંદેશ દીવાલ પર લખાયા હોય તો પણ થૂંકવાની આદતથી મજબૂર સ્ટાફ પર આની કોઇ અસર થતી નથી.
જેના કારણે છેલ્લા બે-ચાર દિવસથી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશથી મુખ્યાલયના બી બ્લોકના તમામ માળે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દીવાલ સાથે ત્રણેક ફૂટની ઉંચાઇએ થૂંકદાની લગાડાઇ છે. આ પ્રયોગ સફળ નિવડ્યા બાદ વધુ ઓફિસોમાં થૂંકદાની લગાડાશે. જોકે કમિશનર વિજય નહેરા આટલેથી અટક્યા નથી. તેમણે પાનના ગલ્લાવાળાઓ સામે પણ લાલ આંખ કરી છે. કમિશનરના આદેશથી શહેરના સાતેય ઝોનમાં આવેલા પાન પાર્લરોને વોર્ડ વાઇઝ સર્વે શરૂ કરાયો છે. તમામ ઝોન માટે એક ટીમનું ગઠન કરી આગામી ૧પ દિવસમાં શહેરભરના પાન પાર્લરનો મોબાઇલ નંબર સાથેની યાદી તૈયાર કરાશે તેમ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું. આ થૂંકદાની લાલ રંગની અને અડધા ભાગમાં માટી ધરાવતી હશે. તંત્ર દ્વારા જાહેરમાં રોડ સહિતની જગ્યાઓ પર થૂંકનારા વ્યક્તિઓને પકડીને રૂ.૧૦૦થી પ૦૦નો દંડ લેવાઇ રહ્યો છે. આ ઝુંબેશ છેલ્લા ૧૦ દિવસથી આરંભાઇ હોઇ અંદાજે રૂ.૧૦ લાખ દંડ પેટે વસૂલાયા છે.
આખ્ખા અમદાવાદમાં જાહેર રસ્તા પર થૂંકવાની આદત ધરાવનારા નાગરિકો હોઇ તેમની પાસેથી દંડ લેવાઇ રહ્યો છે. ખાસ તો તંત્રએ જાહેરમાં થૂંકનારા સામે ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહનચાલકોને ફટકારાતા ઇ-મેમોની જેમ ઇ-મેમો આપવાના મામલે પણ ગંભીરતાની વિચારણા હાથ ધરી છે. શહેરના ચાર રસ્તા સહિતના મહત્વનાં સ્થળોએ મૂકાયેલા સીસીટીવી કેમેરાની મદદથી રસ્તા પર થૂંકનારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરચાલકોને તેમની નંબર પ્લેટ અને તેના ફોટાના આધારે પકડી પડાશે. અમુક ફોર વ્હીલરચાલકો ફટાફટ ગાડીના કાચ નીચે ઉતારીને થૂંકીને કાચ પાછા ચઢાવી દેતા હોઇ સીસીટીવી કેમેરાની મદદથી આવા ફોર વ્હીલરચાલકોનો ત્રીસેક સેકન્ડનો વીડિયો પણ ગ્રાફિક તરીકે મોકલવાના મામલે તંત્રએ કવાયત હાથ ધરી છે. આ વીડિયોના કારણે થૂંકનાર ફોર વ્હીલરચાલક તંત્ર સમક્ષ પોતાનો બચાવ નહીં કરી શકે. તેમ છતાં નિયમ મુજબની દંડ ભરવાની આનાકાની કરનાર કસૂરવાર નાગરિકો સામે નેમ એન્ડ શેમ પદ્ધતી અજમાવાશે. એટલે કે આવા લોકોના ઘરે કે ઓફિસે તંત્રની ટીમ જશે અને તેમને નજીકની મોબાઇલ કોર્ટ સમક્ષ હાજર કરાશે. આમ શહેરને વધુ ને વધુ ગંદકીમુક્ત કરવા મામલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એક વધુ નવતર પ્રયોગ આગામી દિવસોમાં અમલી બનાવાશે.