પુરુલિયા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગયો છે. આ રાજકીય સંગ્રામની વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રતિબંધ હોવા છતાં બંગાળના પુરુલિયા પહોંચી ગયા હતા. પુરુલિયામાં જનસભાને સંબોધતા યોગીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અરાજક, બિનલોકશાહી, બિનબંધારણીય ટીએમસીની સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, મમતા સરકાર આવશે તો ટીએમસીના ગુંડાઓ મમતા બેનર્જીના બેનર લઇને ફરશે અને લોકો ઉપર અત્યાચાર વધારશે. હેલિકોપ્ટરને ઉતરવાની મંજુરી અગાઉ ન મળતા યોગીને ફોન પરથી રેલી સંબોધવાની ફરજ પડી હતી પરંતુ આજે માર્ગ મારફતે યોગી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઝારખંડના બોકારોમાં ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ માર્ગ મારફતે તેઓ પુરુલિયામાં જનસભા સ્થળે પહોંચ્યા હતા. જનસભાને સંબોધતા યોગીએ કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા આ બંગાળમાં શારદા નવરાત્રિની દુર્ગાપૂજા અને મોહર્રમનો કાર્યક્રમ એક સાથે આવ્યા હતા.
મમતા સરકારે મોહર્રમ કાર્યક્રમને મંજુરી આપી હતી પરંત દુર્ગાપૂજાના કાર્યક્રમમાં પ્રતિબંધ મુકી દીધો હતો. યોગીએ એમ પણ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ખુબ સારી રીતે સરકાર ચાલી રહી છે જે દિવસે ભાજપની સરકાર બંગાળમાં આવી જશે તે જ દિવસે ટીએમસીના ગુંડાઓ પણ ગળામાં બચાવી લેવા માટેના કાગળો લટકાવીને ફરતા થઇ જશે. જે રીતે હાલમાં ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાના ગુંડાઓ ગળામાં બેનર લટકાવીને ફરી રહ્યા છે અને માફ કરી દેવાની વાત કરી રહ્યા છે. વધુ અન્યાય નહીં કરવાની ભીખ માંગી રહ્યા છે. યોગીએ કહ્યું હતું કે, જે ધરતી વિપરિત સ્થિતિમાં દેશને કુશળ શાસન આપ્યું છે ધરતી બંગાળમાં અરાજકતાનું શાસન થયેલું છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર દુનિયાની અંદર રહેતા હિન્દુ લોકોને કહ્યું હતું કે, હિન્દુ છીએ તેમ ગર્વ સાથે કહેવાની જરૂર છે. આ ભાવના પેદા કરતી જમીન છે. સ્વામી વિવેકાનંદે દુનિયાભરમાં ફરીને કહ્યું હતું કે, પોતાના ધર્મ અને સંસ્કૃતિ ઉપર ગૌરવ થાય તે જરૂરી છે. આ બંગાળની ધરતી છે જેમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર થયા છે.
રાષ્ટ્રગીતનું ગૌરવ આજ ધરતીએ આપ્યું છે. યોગીએ કહ્યું હતું કે, તેમને આશ્ચર્ય થાય છે કે, બંગાળની ધરતી જે હકીકતમાં ભારતીય જનતા પાર્ટીની હોવી જાઇએ ત્યાં ભ્રષ્ટ મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર આવી ગઈ છે. યોગીએ કહ્યું હતું કે, આ સરકાર સામે ભાજપના કાર્યકરો જે રીતે લડત ચલાવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા ગરીબોના મકાનના પૈસા ટીએમસી સરકાર અને ટીએમસીના ગુંડાઓ ખાઈ ગયા છે. સરકાર બિલકુલ ભ્રષ્ટ થઇ ચુકી છે. બંગાળની અંદર મુખ્યમંત્રી શારદા ચીટ કૌભાંડના એક ભ્રષ્ટ અધિકારીને બચાવવા ધરણા પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે બોધપાઠ આપીને ભ્રષ્ટ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. સીબીઆઈની પાસે જવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં બંગાળની બહાર શિલોંગમાં જઇને આ પોલીસ અધિકારીને સીબીઆઈ સમક્ષ હાજરી લગાવી પડશે. સીબીઆઈ કોર્ટમાં શારદા ચીટ ફંડ કૌભાંડમાં કોણ કોણ જવાબદાર છે તેનો ખુલાસો કરવા તેમને હવે પ્રશ્ન કરવામાં આવનાર છે. એક મુખ્યમંત્રી ધરણા પ્રદર્શન કરે તેનાથી કોઇ કમનસીબ બાબત હોઈ શકે નહીં.