નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી. આ ર્નિણય એક મહિલા દ્વારા તેના અલગ થયેલા પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે. આ કેસમાં કોર્ટે જાેયું કે, બંને પક્ષો સહાયક પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા હતા અને મહિલા સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના ટૂંકા આદેશમાં કહ્યું કે, ‘અરજદાર અને પ્રતિવાદી (પતિ-પત્ની) બંને એક જ પદ એટલે કે સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેથી આ ખાસ પરવાનગી અરજી ફગાવી દેવામાં આવે છે.‘ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, ‘જાે પત્ની આર્ત્મનિભર હોય અને પોતાની આવકમાંથી ગુજરાન ચલાવી શકે, તો પતિ પર ગુજરાન ભથ્થું ચૂકવવાની જવાબદારી નથી રહેતી.‘
મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, ‘ભલે મારી પોતાની આવક છે પરંતુ તેમ છતાં હું ગુજરાન ભથ્થું મેળવવાની હકદાર છું. તેણે કહ્યું કે, મારા પતિની માસિક આવક લગભગ ૧ લાખ રૂપિયા છે, જ્યારે મારી આવક લગભગ ૬૦,૦૦૦ રૂપિયા છે.‘ જાેકે, પતિ તરફથી એડવોકેટ શશાંક સિંહે કોર્ટને જણાવ્યું કે, ‘બંનેની સ્થિતિ સમાન હોવાના કારણે ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી.‘ આ દાવાની પુષ્ટિ કરવા માટે કોર્ટે બંને પક્ષોને છેલ્લા એક વર્ષની સેલેરી સ્લિપ સબમિટ કરવા કહ્યું હતું.
ખૂબ મહત્વની વાત છે કે, આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને નીચલી કોર્ટે મહિલાની ગુજરાન ભથ્થુંની માગણી ફગાવી દીધા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયને મહિલાઓના આર્ત્મનિભરતા અને સમાનતાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ ર્નિણય એવા કિસ્સાઓમાં એક ઉદાહરણ બની શકે છે જ્યાં પતિ અને પત્ની બંનેની નાણાકીય સ્થિતિ સમાન હોય અને કોઈ પણ પક્ષ બીજા પર ર્નિભર ન હોય.