જો ચાલુ લોને કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો, બાકીની લોન કોને ભરવી પડશે? જાણો શું છે નિયમ

Rudra
By Rudra 2 Min Read

Personal Loan Rules: ઈમરજન્સી અને બિમારી ક્યારેય સમય જોઈને આવતી નથી. ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે બચત પૂરી પડતી નથી અને લોન લેવી પડે છે. આવી પરિસ્થિતિમાં લોકો સૌથી વધુ પર્સનલ લોનનો સહારો લે છે. કારણ કે આ લોન માટે કોઈ ગેરંટી કે વસ્તુ ગીરવે રાખવાની જરૂર પડતી નથી. પરંતુ એક મહત્વનો સવાલ લોકોના મનમાં ઊભો થાય છે કે જો પર્સનલ લોન લેનારનું મોત થઈ જાય તો બાકી લોન કોને ચૂકવવી પડે છે? ચાલો જાણીએ તેના નિયમો.

પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે, એટલે કે તેમાં કોઈ મિલકત, ઘર કે જમીન ગીરવે રાખવામાં આવતી નથી. આ કારણે લોન લેનારના અવસાન પછી બેંક કોઈ સીધી સંપત્તિ જપ્ત કરી શકતી નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે લોન આપોઆપ માફ થઈ જાય. બેંક પાસે બાકી રકમ વસૂલવા માટે કેટલાક કાનૂની વિકલ્પો હોય છે. ઘણી બેંકો પર્સનલ લોન સાથે લોન પ્રોટેક્શન ઈન્શ્યોરન્સ આપે છે. જો લોન લેનાર વ્યક્તિનું અવસાન થાય, તો બેંક ઈન્શ્યોરન્સ કંપની પાસે ક્લેમ કરે છે. ઈન્શ્યોરન્સ કંપની પોલિસીની શરતો મુજબ બાકી લોનની રકમ ચૂકવે છે અને લોન એકાઉન્ટ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં પરિવાર પર કોઈ આર્થિક બોજો પડતો નથી.

જો મૃતકે લોનનો વીમો ન કરાવ્યો હોય, તો બેંક મૃતકની સંપત્તિમાંથી બાકી રકમ વસૂલ કરે છે. આમાં સેવિંગ એકાઉન્ટ બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું, રિયલ એસ્ટેટ વગેરેનો સમાવેશ થઈ શકે છે. વધુમાં, જો સંપત્તિ અપૂરતી હોય, તો બેંક મૃતકના લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાંથી ક્લેમ કરી શકે છે. મહત્વની વાત એ છે કે પરિવારના સભ્યો પર બાકી લોન ચૂકવવાની સીધી કાનૂની જવાબદારી નથી, જો તેઓ કો-બોરોઅર અથવા ગેરંટર ન હોય. જો બેંક તમામ વિકલ્પો અજમાવીને પણ રકમ વસૂલ ન કરી શકે, તો તેને લોનને રાઇટ-ઓફ કરવી પડે છે. આવી સ્થિતિમાં પરિવારને કાનૂની રીતે રાહત મળે છે.

પરિવારે શું કરવું જોઈએ?

જો પર્સનલ લોન લેનારનું અવસાન થાય, તો પરિવારે સૌથી પહેલા તેમનું મરણનું પ્રમાણપત્ર (Death Certificate) બેંકમાં જમા કરાવવું જોઈએ. આથી બેંકને સત્તાવાર જાણ થાય છે અને તે પોલિસી તથા નિયમો મુજબ આગળની પ્રક્રિયા શરૂ કરે છે. સમયસર માહિતી આપવાથી અનાવશ્યક મુશ્કેલીથી બચી શકાય છે.

Share This Article