ગઢચિરોલી : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ આજે છુપો હુમલો કર્યો હતો જેમાં ૧૫ સુરક્ષા જવાન શહીદ થતાં ખળભળાટ મચી ગયો છે. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટમાં ક્વિક રિસ્પોન્સ ટીમને લઇ જતી એક ગાડી સકંજામાં આવી જતાં તેના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ હુમલામાં ખાનગી ગાડીના ડ્રાઇવરનું પણ મોત થયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલામાં શહીદ જવાનો પ્રત્યે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, હુમલા કાવતરા ઘડનાર લોકોને છોડવામાં આવશે નહીં.
રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ડીજીપી અને ગઢચિરોલીના એસપીના સંપર્કમાં છે. નક્સલવાદીઓ દ્વારા આજે મહારાષ્ટ્ર સ્થાપના દિવસના પ્રસંગે આ પ્રચંડ હુમલો કર્યો હતો. આ પહેલા કુરખેડા તહેસીલના દાદાપુરા ગામમાં નક્સલવાદીઓએ ૩૬થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ ક્વિક રિસ્પોન્સની ટીમના કમાન્ડો ઘટનાસ્થળ માટે રવાના થયા હતા. આ કમાન્ડો નક્સલવાદીઓનો પીછો કરીને જમ્મુખેડા ગામની નજીક પહોંચ્યા ત્યારે નક્સલવાદીઓએ પ્રચંડ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલો ગઢચિરોલીમાં વન્ય વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટબાદ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ગોળીબારની રમઝટ વચ્ચે નકસલવાદીઓ ફરાર થઇ ગયા હતા.
એમ માનવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણરીતે થઇ રહેલા મતદાનના પરિણામ સ્વરુપે નક્સલવાદીઓ લાલઘૂમ થયેલા છે જેના પરિણામ સ્વરુપે આઈઇડી બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો. આ પહેલા મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ ખાનગી કોન્ટ્રાક્ટરોના ત્રણ ડઝન જેટલા વાહનોને આગ ચાંપી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી છે. મોદીએ કહ્યું છે કે, તમામ સાહસી જવાનોને સલામ કરે છે. તેમના બલિદાનને ભુલાવી શકાશે નહીં. શોકસંતપ્ત પરિવારોની સાથેની સાથે તેમની ભાવના રહેલી છે. હુમલાખોરોને કોઇ કિમતે છોડવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ આ હુમલા અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યં છે કે, ગઢચિરોલી-સી-૬૦ ફોર્સના ૧૫ જવાન આ હુમલામાં શહીદ થયા છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના ડીજીપી અને ગઢચિરોલીના એસપીના તેઓ સંપર્કમાં છે. મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે પત્રકાર પરિષદ યોજીને કહ્યં હતં કે, નક્સલવાદીઓના હુમલામાં ૧૫ જવાન શહીદ થયા છે. ડ્રાઇવરનું પણ મોત થયું છે. આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે અમારી તૈયારી છે. અમારી પાસે ક્ષમતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવી ચુક્યું છે. નક્સલવાદીઓએ ગુપ્તરીતે આ હુમલો કર્યો હતો.
ઇન્ટેલીજન્સ ફેલિયોરના કારણે આ કોઇ હુમલો થયો નથી. આ પ્રકારન ઘટનામાં અમારી સાવચેતી રહે છે. ભવિષ્યમાં આ પ્રકારના હુમલા ન થાય તે પ્રકારે વધુ સાવચેતી રાખવામાં આવશે. આજે અગાઉ ગઢચિરોલીના કુરખેડામાં નક્સલવાદીઓએ ખાનગી કોન્ટ્રાક્ટરોના ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના એ વખતે ઘટી હતી જ્યારે મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. નક્સલીઓ છેલ્લા વર્ષે ૨૨મી એપ્રિલના દિવસે સુરક્ષા દળો દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા ૪૦ સાથીઓના મોતની પ્રથમ વરસી મનાવવા માટે એક સપ્તાહથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના અંતિમ તબક્કામાં હતા. ગઢચિરોલીમાં જ જે વાહનોને નક્સલવાદીઓએ ટાર્ગેટ બનાવ્યા તેમાં મોટાભાગના અમર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હતા જે દાદાપુર ગામની પાસે એનએસ ૧૩૬ના એરકાડ સેક્ટરમાં માર્ગ નિર્માણની ગતિવિધિમાં સામેલ હતા.
નક્સલવાદીઓ ફરી એકવાર જારદારરીતે સક્રિય થયા છે. મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે કહ્યું છે કે, નક્સલીઓએ આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગઢચિરોલી પોલીસની ટીમ નોર્થ ગઢચિરોલી તરફ જઇ રહી હતી ત્યારે હુમલો કર્યો હતો. લેન્ડલાઈન બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે સી-૬૦ યુનિટની સફળતા રહી હતી. નક્સલવાદી વિસ્તારોમાં પોલીસ જુદી જુદી રીતે કામ કરે છે જેથી ખાનગી વાહનોથી તેમને મોકલવામાં આવ્યા હતા. ગઢચિરોલીમાં ૨૦૦૯ બાદ સૌથ મોટો હુમલો કરવામાં આવ્યો છે. ૨૦૦૯માં જુદા જુદા નક્સલી હુમલામાં ૫૧ સુરક્ષા કર્મી શહીદ થયા હતા.