વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન આઇડીબીઆઇ બેંકની આંધ્રપ્રદેશમાં આવેલી પાંચ શાખાઓમાંથી મત્સય ઉદ્યોગ માટે રૂ. ૭૭૩ કરોડ રૂપિયાની લોન લઇને છેતરપિંડી કરવાનો કેસ બહાર આવ્યો છે. માછલીઓનું તળાવ ન હોવા છતાં નકલી લીઝ દસ્તાવેજો રજૂ કરીને લોન લેવામાં આવી હતી.
આ કૌભાંડમાં બેંકના બે અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. જે પૈકી એક અધિકારી નિવૃત્ત થઇ ગયા છે જ્યારે બીજાને બરતરફ કરવામાં આવ્યા છે. બશિરબાગ અને ગુંતુરની શાખાઓ અંગે પાંચ ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સીબીઆઇએ બે એફઆઇઆર દાખલ કરી છે. આ પાંચ શાખાઓમાં હૈદરાબાદની બશિરબાગ, ગુંતુર, રાજાહમુન્દ્રી, ભીમાવરમ અને પલાંગીનો સમાવેશ થાય છે.
આ લોન પૈકી મોટા ભાગની લોન નાણાકીય વર્ષ ૨૦૧૪માં એનપીએ બની ગઇ હતી. આ સંદર્ભમાં આઇડીબીઆઇ બેંકે પાંચ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં સરકારી બેંકમાંથી લોન લઇને છેતરપિંડી કરવાનો આ પાંચમો કેસ બહાર આવ્યો છે.
આ અગાઉ પંજાબ નેશનલ બેંકનું ૧૩,૬૦૦ કરોડ રૃપિયાનું કૌભાંડ, આંધ્ર બેંકનું ૫૦૦૦ કરોડ રૃપિયાનું કૌભાડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ૮૨૪ કરોડ રૃપિયાનું કૌભાંડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ૧૩૯૪ કરોડ રૃપિયાનું કૌભાંડ સપાટી પર આવ્યું હતું.