નવીદિલ્હી : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કુલભૂષણ જાધવના મામલામાં ચુકાદો આપ્યા બાદ ભારતના મોટાભાગના નેતાઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. સાથે સાથે આઈસીજેના ચુકાદાને મોટા નિર્ણય તરીકે ગણાવીને પ્રશંસા કરી છે. આઈસીજેના ચુકાદાને ભારતની મોટી જીત તરીકે ગણાવતા રાજનાથસિંહે કહ્યું છે કે, ચોક્કસપણે આ ભારતની એક મોટી જીત છે.
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ જાધવના મામલામાં આવેલા આઈસીજેના ચુકાદાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, આ ચુકાદો ભારતની જીત છે. જાધવના કેસને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયનું પણ તેઓ સ્વાગત કરે છે. આઈસીજેમાં ખુબ જ પ્રભાવશાળી અને સફળતાપૂર્વકરીતે ભારત તરફથી હરિશ સાલ્વે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હરિશ સાલ્વેનો પણ તમામ લોકો આભાર માને છે.
આ ચુકાદાથી કુલભૂષણના પરિવારને ચોક્કસપણે રાહત મળશે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે કહ્યું છે કે, આ મામલામાં ચોક્કસપણે ન્યાય મળ્યો છે. માનવ અધિકાર, ઉચ્ચ પ્રક્રિયાને જાળવી રખાઈ છે.