અમદાવાદ: રાજ્યના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યના ખેડૂતો પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે મસાલા પાક ઘટકમાં તા.૨૧.૦૮.૨૦૧૮ થી તા.૩૦.૦૮.૨૦૧૮ સુધી સંબંધિત જિલ્લાઓ માટે કેટેગરી વાઇઝ ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ મારફત અરજીઓ કરી શકે તે માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, એમ બાગાયત નિયામકની કચેરી દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય જાતિ-અનુસૂચિત જાતિ માટે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પોરબંદર, મોરબી અને રાજકોટ જિલ્લામાં, સામાન્ય જાતિ માટે અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિ માટે દાહોદ, નર્મદા, ડાંગ અને મહેસાણા જિલ્લામાં તથા સામાન્ય જાતિ/ અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ માટે મહીસાગર જિલ્લામાં કેટેગરીવાઇઝ ખેડૂતોએ અરજી કરવાની રહેશે.