સલમાન સાથે મારો ભાઈ જેવો સંબંધ છે : શાહરૂખ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શાહરુખ ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે. બોલિવૂડમાં શાહરુખ ખાનના ૩૦ વર્ષ પૂરા થયા છે. આ અવસર પર શાહરુખ ખાન લાઈવ આવ્યો હતો અને લોકો સાથે ૩૦ મિનિટ સુધી વાતચીત કરી હતી. મોટી સંખ્યામાં તેના ફેન્સ આ લાઈવ સેશનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેણે પઠાણ સહિતની અપકમિંગ ફિલ્મો વિશે પણ વાત કરી હતી. કિંગ ખાને ફેન્સના અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેણે સલમાન ખાન સાથે પોતાના સંબંધો પર પણ વાત કરી હતી. શાહરુખ ખાનને એક પ્રશંસકે સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછ્યું તો કિંગ ખાને ઘણો સારો જવાબ આપ્યો હતો. શાહરુખે જણાવ્યું કે, સલમાન સાથે મારો કામનો કોઈ અનુભવ નથી. તેની સાથે માત્ર પ્રેમનો અનુભવ છે. મિત્રતા છે. અમારો ભાઈઓ જેવો સંબંધ છે. માટે હું જ્યારે પણ તેની સાથે કોઈ પણ કામ કરુ છું તે ઘણો સારો અનુભવ હોય છે. પાછલા બે વર્ષ અમારા ઘણાં સારા રહ્યા છે, કારણકે હું સલમાનની ફિલ્મમાં છું અને તે મારી ફિલ્મમાં છે. તે ફિલ્મ ઝીરોમાં આવ્યો હતો અને હું પણ ટાઈગરમાં જઈશ.

ઉલ્લેખનીય છે કે આ સાથે જ શાહરુખ ખાને પૃષ્ટિ કરી કે ટાઈગર સીરિઝની અપકમિંગ ફિલ્મમાં તેનો કેમિયો રોલ હશે. કિંગ ખાને આગળ જણાવ્યું કે, અમે લોકોએ કરણ અર્જુન સિવાય કોઈ પણ મોટી ફિલ્મમાં એકસાથે કામ નથી કર્યું. કરણ અર્જુનમાં પણ અમે સાથે ઘણું ઓછું કામ કર્યુ હતું. ૪-૫ દિવસ જ અમારે સાથે શૂટ કરવાનુ હતું. સલમાન મારી ફિલ્મ ઝીરોમાં આવ્યો હતો, અને સારું છે કે હું પણ તેની ફિલ્મમાં કામ કરવાનો છું.

સલમાન મારા માટે પરિવાર અને ભાઈ સમાન છે. અમને નથી ખબર કે અમારામાંથી મોટો ભાઈ કોણ છે, પણ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે બીજો ભાઈ મદદ માટે હાજર રહે છે. નોંધનીય છે કે સલમાન ખાન અને શાહરુખ ખાન એકબીજા સાથે સારો બોન્ડ શેર કરે છે. તાજેતરમાં જ સલમાન ખાને સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તેણે સાથે લખ્યુ હતું કે, મારો જવાન ભાઈ તૈયાર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરુખ ખાન પઠાનની સાથે સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળશે. આ સિવાય શાહરુખ સાઉથના ડિરેક્ટર એટલી સાથે ફિલ્મ જવાન માટે પણ કામ કરી રહ્યો છે.

Share This Article