ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મોહમ્મદ સિરાજને બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ સિરાજે આ અંગે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો એ વાત હું પચાવી ન શક્યો.‘ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિરાજે હવે IPL દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે આ લીગમાં સારું પ્રદર્શન કર્યું છે અને ચાર મેચમાં નવ વિકેટ ખેરવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર રહેવા મુદ્દે વાત કરતા સિરાજે કહ્યું હતું કે, ‘એક સમયે હું એ વાત પચાવી ન શક્યો પરંતુ મેં મારા ઉત્સાહને ઓછો ન થવા દીધો અને મારી ફિટનેસ અને રમત પર કામ કર્યું. મેં મારી જાતને સમજાવ્યું કે કેટલી બધી બાબતો કરવાની બાકી છે. મેં જે પણ ભૂલો કરી હતી તેના પર મેં કામ કર્યું અને હું મારી બોલિંગનો આનંદ માણી રહ્યો છું. એક પ્રોફેશનલ ખેલાડી તરીકે જ્યારે તમે સતત ભારતીય ટીમમાં હોવ છો અને પછી બહાર થઈ જાવ છો, ત્યારે તમારા મનમાં શંકાઓ ઊભી થવા લાગે છે કે શું તમે સક્ષમ છો કે નહીં? પણ મેં મારી જાતને ખુશ રાખી અને IPLની રાહ જોઈ રહ્યો હતો.‘
હાલ IPL 2025માં સિરાજ ચાર મેચમાં નવ વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સંયુક્ત રીતે બીજા નંબર પર છે. આ સિઝનમાં તેનો ઈકોનોમી રેટ અત્યાર સુધી ૭.૭૫ અને તેની એવરેજ ૧૩.૭૭ની છે. તેણે આ પ્રદર્શન વિશે કહ્યું કે જ્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે બોલિંગ કરો છો ત્યારે તમે ટોપ પર હોવ છો. જ્યારે બોલ તમારી ઈચ્છા પ્રમાણે કામ કરી રહ્યો હોય ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય છે. તેનાથી ઘણો આનંદ મળે છે.