હૈદરાબાદ : હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો છે. ભારતે આજે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. ભારતે પૃથ્વી શોના અણનમ ૩૩ અને લોકેશ રાહુલના અણનમ ૩૩ રનની મદદથી આ ટાર્ગેટ પાર પાડીને ૧૦ વિકેટે જીત મેળવી હતી. પૃથ્વી શોએ ચોગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. પ્રવાસી ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૧૧ રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમે જવાબમાં ૩૬૭ રન બનાવ્યા હતા.
ભારતે પ્રથમ ઇનિંગ્સના આધાર પર યજમાન ટીમ ઉપર ૫૬ રનની લીડ મેળવી હતી. વિન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં પણ કોઇ ધારે ધરખમ દેખાવ કરી શકી નહતી. વેસ્ટઇન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૨૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ૪૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. વિન્ડિઝનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો. આ પહેલા વિન્ડિઝની બીજી ઇનિંગ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. બંને ઓપનર્સ માત્ર છ રન ઉમેરીને પેવેલિયન ભેગા થયા હતા. આજે ત્રીજા દિવસે ભારતે પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી અને ભારતીય ટીમ ૩૬૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
સપ્તાહના ભારતીય ટીમે આજે દિવસની શરૂઆત ચાર વિકેટે ૩૦૮ રનથી આગળ કરી હતી પરંતુ ભારતીય ટીમ પણ ૧૬.૧ ઓવરમાં માત્ર ૨૫ રન ઉમેરીને પાંચ વિકેટ ગુમાવી દેતા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અશ્વિને ૮૩ બોલમાં ૩૫ રન ઉમેર્યા હતા. શાર્દુલ અને અશ્વિને છેલ્લી વિકેટની ભાગીદારીમાં ૨૮ રન ઉમેર્યા હતા. વિન્ડિઝના કેપ્ટન હોલ્ડરે ૫૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પોતાની ટેસ્ટ કેરિયરમાં પાંચમી વખત તે પાંચ વિકેટ ઝડપી શક્યો હતો. પંત અને રહાણે સદી કરવાથી નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે સાત વિકેટ ગુમાવીને ૨૯૫ રન કર્યા હતા. કેરેબિયન ટીમના કેપ્ટન હોલ્ડરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ૧૧૩ સુધી વિન્ડિઝે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિન્ડિઝના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે
અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી હૈદરબાદ ટેસ્ટ બાદ કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. સમગ્ર ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે ધરખમ બોલિંગ કરી હતી.