મુંબઈના વસઈ રેલ્વે સ્ટેશન પર પતિએ પત્નીને ટ્રેન સામે ફેંકતા મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક યુવકે રેલવે પ્લેટફોર્મ પર ઊંઘી રહેલી પોતાની પત્નીને જગાડી અને પછી ટ્રેનની સામે ફેંકી દીધી હતી. આ ઘટનામાં ૩૦ વર્ષની મહિલાનું મોત થયું છે. આરોપી યુવક પોતાના બે બાળકોને લઇને ફરાર થઇ ગયો છે. પ્લેટફોર્મ પર રહેલા સીસીટીવી વીડિયોમાં આ દર્દનાક ઘટના કેદ થઇ ગઇ છે. ટ્રેનથી કપાઇને મહિલાના મોતના સમાચાર જ્યારે પોલીસને મળ્યા તો સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી પોતાની પત્નીને ટ્રેન સામે ફેંકતો જોવા મળે છે.

પોલીસે આરોપીની શોધ શરુ કરી છે. રુવાંટા ઉભા કરી નાખે તેવી આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઇ રોડ રેલવે સ્ટેશનની છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ પર એક યુવક પોતાની પત્ની અને બે બાળકો સાથે હતો.

સીસીટીવીમાં જોવા મળે છે કે યુવક પ્લેટફોર્મ પર આમથી તેમ ચક્કર લગાવતો જોવા મળે છે. તે પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેન પર નજર રાખે છે. ટ્રેન પાસે આવે છે ત્યારે તે ઊંઘી રહેલી પોતાની પત્નીને જગાડે છે અને ટ્રેનની સામે ફેંકી દે છે. ટ્રેનની નીચે આવી જવાના કારણે મહિલાનું મોત થઇ જાય છે. આરોપી યુવક પોતાના બે બાળકો અને સામાન લઇને પ્લેટફોર્મથી ભાગી જાય છે. રેલવેના સહાયક પોલીસ આયુક્ત ભજીરાવ મહાજને કહ્યું કે અવધ એક્સપ્રેસથી કપાઇની એક મહિલાનું મોત થયું છે. મહિલાને તેના પતિએ ટ્રેનની નીચે ફેંકી દીધી હતી. પત્નીની હત્યા કર્યા પછી યુવક બાળકોને લઇને ફરાર થઇ ગયો હતો. આરોપી દાદર અને ત્યાંથી કલ્યાણ માટે એક ટ્રેનમાં ચડતો જોવા મળ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે.

Share This Article