પુણેમાં એક ૬૪ વર્ષીય વ્યક્તિનો જીવ તેની પત્નીની સમયસૂકતાના કારણે બચી ગયો હતો. જ્યારે પતિને બાથરૂમમાં ન્હાતા દરરોજ કરતા થોડી વધુ વાર લાગી તો તેણે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સામેથી કોઇ જવાબ ન મળતા તેણે તેના સંબંધીઓને બોલાવીને દરવાજો તોડતા પતિ જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. હકીકતમાં તેણે વેન્ટિલેશનના અભાવવાળા બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં લઇ લીધો હતો. જે બાદ તાત્કાલિક તને સારવાર અર્થે પ્રયાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો.
જોકે, પત્નીની સમયસૂકતાના કારણે તેનો જીવ બચી ગયો હતો. મોટાભાગે ચોમાસા અને શિયાળાના સમય દરમિયાન ગેસ ગીઝરની આવી અસરનો ભોગ બનતા હોય છે. જેને સામાન્ય ભાષામાં ગેસ ગીઝર સિન્ડ્રોમ અથવા ગેસ ગીઝર એન્સેફાલોપથી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બાથરૂમમાં એલપીજી ગેસ દ્વારા પાણી ગરમ થાય તેવા ગીઝરનો ઉપયોગ કરવામાં આવે છે. હોસ્પિટલના ક્રિટિકલ કેર એક્સપર્ટ ડો. કપિલ બોરવાકે જણાવ્યું કે, તે વ્યક્તિને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેથી તેને વેન્ટિલેશન સારવારની જરૂર હતી. બીજા દિવસે તેની તબિયતમાં સુધારો થયો અને વેન્ટિલેટર હટાવવામાં આવ્યું. જોકે, તે હવે એકદમ સ્વસ્થ છે. ડો. બોરાવાકે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ગેસ ગીઝર સિન્ડ્રોમ ધરાવતા આવા સાત દર્દીઓની સારવાર કરી છે. આ બધા બેભાન હાલતમાં હતા. જોકે, સિરિયસ કંડિશન હોવા છતા તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. આ કેસમાં સૌ પ્રથમ એટેક, માથામાં ઇજા અથવા સ્ટ્રોકની શંકા થાય છે. ન્યૂરોઇમેજિંગ સહિતની તપાસ કર્યા બાદ ઝેરી ગેસ ઇન્હેલેશનના કારણે ઝેરી એન્સેફાલોપથીનું સાચું કારણ સામે આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેસ ગીઝર સામાન્ય રીતે નીચલા-મધ્યમ વર્ગના પરીવારમાં જોવા મળે છે. ગેસ ગીઝરને ઇલેક્ટ્રોનિક ગીઝર કરતા વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે પાણી ઝડપથી ગરમ થાય છે અને ચલાવવા માટે સસ્તું હોવા ઉપરાંત તેમાં વીજળીની જરૂર નથી હોતી. ડો.બોરાવાકે જણાવ્યું કે, એલપીજી ગેસવાળા વોટર હીટર અનુકૂળ છે, પરંતુ નબળા વેન્ટિલેશનવાળા બાથરૂમમાં તેનો ઉપયોગ જીવલેણ સાબિત થઇ શકે છે. ઘણા લોકો આ સાવચેતીને અવગણે છે. દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ન્યૂરોલોજીસ્ટ ડો. રાહુલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, મોટાભાગના આવા દર્દીઓ ૨૪ કલાકમાં સાજા થઇ જાય છે. મેં કેટલાક કેસમાં દર્દીઓને ગેસ ગીઝર એન્સેફાલોપેથીના કારણે મગજ પર કાયમી નુકસાન થતું પણ જોયું છે. ગત મહિને ડો. કુલકર્ણીએ ગેસ ગીઝર સિન્ડ્રોમ પીડિત ૩૦ વર્ષીય મહિલાના સારવાર કરી હતી.