ગોંડલમાં સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાના પ્રસંગમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા મારી દીધા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પત્નીને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેણીની હાલત વધુ ગંભીર હોય તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં તેણીનુ મોત નિપજ્યું છે. બનાવનાં પગલે એ’ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ આનંદ ડામોર ઘટના સ્થળે દોડી જઇ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. નાશી છુટેલા હત્યારા દિનેશને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ ઓરોપીની પુછપરછ ચાલી રહી છે. શંકાનાં કારણે પત્નીની હત્યા કર્યાનુ બહાર આવ્યુ છે.
આ મામલે મળતી માહિતી મુજબ ગોંડલનાં વોરાકોટડા રોડ પંચપીરની દરગાહ પાસે રહેતી ૨૪ વર્ષની મહિલા ગત રાત્રે તેના પતિ સાથે સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાનો પ્રસંગ હોય ત્યાં આવ્યા હતા. ત્યાં અન્ય પરિવારજનો પણ હાજર હતા. ત્યારે મહિલા પંદર દિવસ પહેલા તેનાં કૌટુંબિક માસીયાઇ ભાઇને ત્યાં અમદાવાદ જતી રહી હોય તે વાત ઉખડતા બન્ને પતિ પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ઉશ્કેરાયેલા પતિએ છરી કાઢી પત્નીને કહ્યું, તારાં માસીયાઇ ભાઇ પાસે જઈ તે સમાજમાં મારુ નાક કપાવ્યુ છે. હવે હું તારું નાક કાપીશ. છરી જોઇને પત્ની ભાગવા લાગી દરમિયાન પતિએ પત્નીના પીઠમાં છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
મૃતક મહિલાના પરીવારજનોના જાણવ્યા અનુસાર, મહિલાએ ભંગારની ફેરી કરતા દિનેશ સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવનથી તેમને એક દિકરો અને એક દિકરી એમ બે સંતાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહિલાનો પતિ તેની પત્ની પર શંકા કરી ઝઘડો કરતો હતો. આખરે આ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. શંકાના કારણે થયેલા ઝઘડામાં બે બાળકોએ માતૃછાયા ગુમાવી પડી છે. અને પિતા જેલ હવાલે થતા બન્ને બાળકો નિરાધાર બન્યા છે. હાલ પોલીસે આરોપી પતિને ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.