મુંબઈ : બોમ્બે હાઈકોર્ટમાં એક મહિલાને ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી મુદ્દે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’
આ કેસમાં વાસ્તવમાં વર્ષ 2020 માં એક મહિલાએ પોતાની ભાભી પર દાંતથી ભચકું ભર્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ત્યારબાદ આરોપી મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરતા અદાલતે મહિલાને રાહત આપી છે. ફરિયાદીએ કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજુ કર્યા હતા, જેમાં પીડિતાને દાંત વાગતા સામાન્ય ઈજા થઈ હતી.
ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને ન્યાયાધીશ સંજય દેશમુકની ઔરંગાબાદ ખંડપીઠે ચોથી એપ્રિલે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન મહિલાએ કહ્યું કે, ‘તેણી અને તેની ભાભી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ભાભીએ તેણીને દાંતથી બચકું ભર્યું હતું. ત્યારબાદ મહિલાઓ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
કોર્ટે પોલીસે નોંધેલી કલમો અંગે કહ્યું કે, ‘જ્યારે ખતરનાક હથિયારથી હુમલો કરવામાં આવે છે અને પીડિતના જીવને જોખમ હોય છે ત્યારે આઈપીસીની કલમ 324 હેઠળ કેસ કરવામાં આવે છે. મેડિકલ સર્ટિફિકેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ફરિયાદીને માત્ર દાંતના કેટલાક નિશાન વાગ્યા હતા, જે ગંભીર નહોતા. કોર્ટે કહ્યું કે, જ્યારે કેસમાં કલમ-324 હેઠળને લેવાદેવા ન હોય તો આવી કલમો લગાવવાથી કાયદાનો દુરુપયોગ થશે.