HSRP નંબરપ્લેટની મુદત ૩૧મી મે સુધી લંબાવી દેવાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા વાહનો પર એચએસઆરપી (હાઈસિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ) લગાવવાની મુદતમાં ૮મી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી હતી. સરકારે આ વખતે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરી તેની છેલ્લી તારીખ તા.૩૧ મે જાહેર કરી છે. રાજય સરકાર અને આરટીઓ તંત્રના ભારે પ્રયાસો છતાં હજુ પણ નાગરિકો અને વાહનચાલકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે તે પણ એટલી જ વાસ્તવિકતા છે.

સુપ્રીમકોર્ટના એચએસઆરપી નંબર પ્લેટ અંગેના મહત્વના ચુકાદાને પગલે દેશભરમાં તેની અમલવારી શરૂ કરાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યમાં આરટીઓ તંત્ર દ્વારા ગત તા.૧૬ નવેમ્બર,૨૦૧૨થી વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાડા છ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાછતાં આરટીઓ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અને લોકો પોતાની આ નૈતિક ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે.  નાગરિકોમાં જાવા મળેલી ગંભીર ઉદાસીનતાને લઇ આરટીઓ તંત્ર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ માટે શહેરની સોસાયટીઓ તેમજ ગામડાંમાં પણ કેમ્પ કરી ટાર્ગેટ પણ ફિક્સ કર્યા હતા.

માત્ર એટલું જ નહીં શહેરમાં ડીમ્ડ આરટીઓને પણ એચએસઆરપી લગાવી આપવાની સગવડ કરી આપી હોવા છતાં લોકોએ ઉદાસીનતા દાખવી છે. આરટીઓ તંત્ર અને સરકાર લોકોના આ ઉદાસીન અને નિષ્ક્રિય વલણથી ચિંતિત છે પરંતુ હવે આગામી દિવસોમાં માર્ચ-એપ્રિલમાં લોકસભા ચૂંટણી હોવાથી રાજય સરકારે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં આ વખતે ત્રણ મહિના જેટલા લાંબા સમયનો વધારો કરવામાં આવ્યો છે અને નવી છેલ્લી તારીખ તા.૩૧મી મે આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જા કે, હવે લોકસભા ચૂંટણી બાદ એચએસઆરપી નંબર લગાવવાની બાકી રહેશે તો મુદત વધવાની શક્યતા નહિવત હોવાનું પણ મનાઇ રહ્યું છે. એટલું  જ નહી, આ મુદત પૂર્ણ થયા બાદ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવાનું તંત્ર દ્વારા શરૂ કરાય તેવી પણ વકી છે.

Share This Article