ઋતિક રોશનનો ખુલાસો, કેવી રીતે દૂર કરી સ્ટેમરિંગની મુશ્કેલી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલીવુડના ગ્રીક ગોડ ઋતિક રોશનની એક્ટિંગના લાખો યુવાનો ફૅન છે. ઋતિક રોશન જે રીતે સ્ક્રીન પર પંચલાઈન બોલે છે, તેના પણ યુવાનો દીવાના છે. ઋતિક રોશન ભલે સ્ટાર સંતાન હોય પરંતુ બોલીવુડમાં સફળતા મેળવવા માટે તેમણે પણ ખાસ્સી મહેનત કરી છે. તમામ લોકો જાણે છે કે આજે સ્ક્રીન પર વિલનને હંફાવતા ઋતિક રોશનને બોલવામાં તકલીફ પડતી હતી.

એક અખબારના અહેવાલ પ્રમાણે ઋતિક રોશને તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેમણે કેવી રીતે પોતાની સ્ટેમરિંગની સમસ્યા પર કાબુ મેળવ્યો. આ અખબારના અહેવાલ પ્રમાણે ધ ઈન્ડિયન સ્ટેમરિંગ એસોસિયેશન દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે બેઠક કરાઈ હતી. લગભગ એક કલાક ચાલેલી આ મીટિંગમાં ઋતિક રોશને ખુલાસો કર્યો કે તેઓ અરીસા સામે ઉભા રહીને કલાકો સુધી બોલવાની પ્રેક્ટિસ કરતા હતા અને પોતાનો અવાજ રેકોર્ડ કરીને સુધારતા હતા.

ઋતિક રોશને કહ્યું કે,’આજે પણ હું સ્પીચ પર કાબુ મેળવવા પ્રેક્ટિસ કરું છું, હું રોજના કમ સે કમ એક કલાક તો બોલવાની પ્રેક્ટિસ કરું જ છું. સ્ટેમરિંગની સમસ્યા સામે હું 2012 સુધી ઝઝૂમતો રહ્યો છું. જ્યાં સુધી હું સ્ટાર બન્યો ત્યાં સુધી આ સમસ્યા હતી.’

ઋતિકે એ વાત પણ સ્વીકારી કે સ્ટેમરિંગની સમસ્યાને કારણે તેમણે કેટલીક ફિલ્મો નથી પણ કરી. ઋતિકે સ્વીકાર્યું કે કેટલીક સ્ક્રીપ્ટમાં લાંબા લાંબા મોનોલોગ હતા અને તે પર્ફોમ કરવાનો મને વિશ્વાસ નહોતો પરિણામે મારે તે ફિલ્મોને ના કહેવી પડી.

ઋતિકે કહ્યું કે,’એક સમયે મેં મારી જાતને સ્લો સ્પીકર તરીકે સ્વીકારી લીધી હતી. કોઈ પણ વાક્ય બોલતા પહેલા મારે તે મનમાં બોલવું પડતું હતું. લાંબા સમય સુધી આ સ્થિતિ મારા માટે સંઘર્ષપૂર્ણ હતી, પણ હવે હું ઠીક છું.’ 2012માં ન્યૂરો-લેન્ગ્વેસ્ટિક પ્રોગ્રામિંગ બાદ ઋતિક રોશનને આ મુશ્કેલીથી સંપૂર્ણ છૂટકારો મળ્યો છે.

આ દરમિયાન TISA દ્વારા ઋતિક રોશનને બેજ અને હેન્ડ બેન્ડ પણ આપ્યા, સાથે જ ઋતિકે TISAની એક્ટિવિટને સમર્થન આપવાની વાત કરી છે.

Share This Article