અમદાવાદ : દેશની અગ્રણી ટુ વ્હીલર કંપની હોન્ડા દ્વારા દેશભરમાં સૌપ્રથમવાર સપનો કી ઉડાન પ્રોજેકટ હેઠળ એક બહુ ઉમદા અને અનોખી પહેલ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હોન્ડા હવે દેશની યુવતીઓનું કોમર્શીયલ પાયલોટ બનવાનું બહુ દુર્લભ એવું સપનું સાકાર કરવા માટે સો ટકા શિષ્યવૃત્તિ આપશે. એક યુવતી માટે આશરે રૂ.૭૦થી ૮૦ લાખનો ખર્ચ થશે પરંતુ આ લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ દેશની યુવતીઓને મહિલા સશકિતકરણ અભિયાન અંતર્ગત કોમર્શીયલ પાયલોટ બનવાની બહુ જ દુર્લભ તક હોન્ડા દ્વારા પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાંથી પાંચ યુવતીઓ અને કર્ણાટક, રાજસ્થાન તેમ જ હરિયાણામાંથી બાકીની યુવતીઓ મળી કુલ ૨૦ યુવતીઓને હોન્ડા ભારતની અગ્રણી ફ્લાઇંગ સ્કૂલમાં તેમની પસંદગીથી લઈને ૧૮ મહિનાની તાલીમનાં ગાળા સુધીનો લાકો રૂપિયાનો તમામ ખર્ચ ઉઠાવશે.
આ માટે હોન્ડાએ રૂ.૫૭ કરોડના બજેટની પણ વિશેષ ફાળવણી કરી દીધી છે એમ અત્રે હોન્ડા કંપનીના ડાયરેકટર જનરલ હરભજન સિંઘ અને ઓપરેટીંગ હેડ-સીએસઆર પ્રદીપસિંહે જણાવ્યું હતું. હોન્ડા કંપની દ્વારા દેશની યુવતીઓ માટે બહુ ઉજ્જવળ તક ઓફર કરાઇ અને સપનો કી ઉડાન પ્રોજેકટની પહેલ રજૂ કરી તે પ્રસંગે નિવૃત્ત વિંગ કમાન્ડર એલ.ડી.બાટલા, એશિયામાં સૌપ્રથમ એરબસ-૩૨૦ ઉડાવનાર કેપ્ટ ઇન્દ્રાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમણે હોન્ડાની આ બહુ ઉમદા અને અનોખી પહેલની ભારોભાર પ્રશંસા કરી હતી. આ પ્રસંગે હોન્ડા કંપનીના ડાયરેકટર જનરલ હરભજન સિંઘ અને ઓપરેટીંગ હેડ-સીએસઆર પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ભારતમાં મહિલા કમર્શિયલ પાયલોટની ટકાવારી આશરે ૧૨ ટકા છે. હોન્ડાએ ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને કર્ણાટકમાંથી આ પહેલમાં અરજી કરવા તમામ યુવતીઓને જણાવ્યું છે.
હોન્ડા ભારતની અગ્રણી ફ્લાઇંગ સ્કૂલમાં તેમની પસંદગીથી લઈને ૧૮ મહિનાની તાલીમનાં ગાળા સુધીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. ઉપરાંત હોન્ડા તેમને કોમર્શીયલ પાયલોટ તરીકે રોજગારી મેળવવામાં પણ મદદરૂપ થશે. પસંદ થયેલી ૨૦ યુવતીઓની પસંદગી લાંબી પસંદગી પ્રક્રિયાને આધારે થશે. આ પસંદગી લાયકાતને ધોરણે થશે અને એમાં યુવતીઓનાં કુટુંબની આવકને ધ્યાનમાં લેવામાં આવશે. સ્ટેટ એજ્યુકેશન બોર્ડ હેઠળ ધોરણ ૧૨ સાયન્સમાં ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) અને મેથેમેટિક્સ (ગણિત)માં ૯૦ ટકાથી વધારે માર્ક મેળવનાર યુવતીઓ અરજી કરવાને લાયક બનશે. ઉપરાંત સબમિટ થયેલી અરજીઓની ચકાસણી વિવિધ માપદંડોને આધારે થશે.