ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને તમિળનાડુનના દ્રવિડ આંદોલનના યોદ્ધા કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનાવવાની મંજુરી આપ્યા બાદ આ વિષયને લઇને પણ સમર્થકોમાં ચર્ચા રહી હતી. એક હિન્દુ નેતા હોવા છતાં કરૂણાનિધિની દફનવિધિ કેમ કરવામાં આવી તેને લઇને ચર્ચા જાગી હતી પરંતુ આની પાછળ કારણ એ રહ્યું છે કે, તેમનું દ્રવિડ આંદોલન સાથે કનેક્શન રહ્યું છે.
દ્રવિડ આંદોલન સાથે જાડાયેલા મોટાભાગના નેતાઓની હજુ સુધી દફનવિધિ જ કરવામાં આવી છે. પેરિયાર, ડીએમકેના સ્થાપક અન્ના દુરાઈ, એમજી રામચંદ્રન, જયલલિતા આ તમામને મરીના બીચ ઉપર જ જગ્યા મળી છે જેથી કરૂણાનિધિને પણ દફનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હકીકતમાં દ્રવિડ આંદોલન મુખ્ય રીતે બ્રાહ્મણવાદ અને હિન્દી ભાષાના વિરોધથી શરૂ થયું હતું. આજ કારણસર દ્રવિડો પ્રત્યે સંવેદના રાખનાર રાજનેતાઓના અવસાન બાદ તેમને બ્રાહ્મણવાદ અને હિન્દુ પરંપરાની વિરુદ્ધ દફનાવવામાં આવ્યા છે. આ પરંપરા તમિળનાડુમાં બ્રાહ્મણવાદી પરંપરાની વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહી છે. દ્રવિડ આંદોલન સાથે જાડાયેલા નેતા ભગવાનને માનતા નથી.
કરૂણાનિધિ પોતે પણ કહી ચુક્યા હતા કે, તેઓ નાસ્તિક છે. તેમને ભગવાનમાં આસ્થા નથી. દ્રવિડ આંદોલનના પિતામાહ તરીકે સમાજ સુધારક રામાસ્વામી પેરિયારને ગણવામાં આવે છે. તેઓએ બ્રાહ્મણવાદી વિચારધારા અને હિન્દુ કુરીતિઓનો વિરોધ કર્યો હતો. ૧૯૪૪માં પેરિયારે દ્રવિડ કઝાગમ નામથી પાર્ટીની રચના કરી હતી. જો કે, મોડેથી અન્ના દુરાઈ સાથે તેમના મતભેદ થયા હતા જેના લીધે અન્ના દુરાઈએ દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકેની રચના કરી હતી. આ પાર્ટી મારફતે તમિળનાડુની રાજનીતિમાં પોતાના વિશેષ સ્થાન રાખનાર નેતાઓના એમજી રામચંદ્રન અને કરૂણાનિધિ હતા.
અન્ના દુરાઈના મોત બાદ ડીએમકેની જવાબદારી કરૂણાનિધિના હાથમાં આવી હતી. મતભેદોના લીધે એમજીઆરે ત્યારબાદ અન્ના દ્રમુક નામની અલગ પાર્ટીની રચના કરી હતી. દ્રવિડ આંદોલન સાથે જાડાયેલા નેતાઓમાંથી જયલલિતા પણ એક હતા. જયલલિતા આયંગર બ્રાહ્મણ હતા અને માથા પર આયંગર તિલક લગાવતા હતા, પરંતુ તેમને પણ અવસાન થયા બાદ દફનવિધિની પ્રક્રિયાથી જ આગળ વધારવાનો નિર્ણય કરાયો હતો. આવી જ રીતે દ્રવિડ આંદોલન સાથે જોડાયેલા તમામ મોટા નેતાઓની દફનવિધિ કરવાની પરંપરા રહી છે. જયલલિતા અને કરૂણાનિધિએ આ પરંપરાને આગળ વધારી છે. તમિળનાડુના નેતાઓને દફનાવવા માટે એક રાજકીય કારણ પણ ગણવામાં આવે છે. દફનાવવામાં આવ્યા બાદ નેતા પોતાના સમર્થકો વચ્ચે સ્મારક તરીકે હંમેશા લોકોની વચ્ચે રહે છે. કરૂણાનિધિની સમાધિ પણ રાજકીય પ્રતિક તરીકે બની જશે.