ભારતીય દર્શકોને સમજવા ખૂબ અઘરા છે. મનોરંજન માટે પહેલા નાટકો થતા અને ભવાઇ થતી, બાદમાં ધીરે ધીરે મનોરંજન માટે ફિલ્મો આવી અને ભવાઇ તથા નાટક વિસરાતા ગયા. હિન્દી ફિલ્મો સિવાય દરેક ભાષામાં ફિલ્મ બનતી થઇ.
છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ પર હોલિવુડની ફિલ્મો ભારે પડી છે. હોલિવુડના એક્શન સિન અને વી.એફ.એક્સના કમાલથી આપણે સૌ અંજાઇ જઇએ છીએ. મારવેલ સિરીઝ હોય હેરી પોટર હોય કે શેરલોક હોમ્સ દરેક ફિલ્મમાં આવતા દરેક સિન પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરી લઇએ છીએ, આપણને ખબર છે કે આ સત્ય નથી છતા એક પણ પ્રશ્ન કર્યા વગર તે સિનની પ્રશંસા કરતા થાકતા નથી.
જો બોલિવુડમાં તેવી સિકવન્સ ઉભી કરવામાં આવે તો આપણા ભારતીય દર્શક તરત જ હોબાળો મચાવે અને કહે આવું તો કાંઇ થતું હશે કોને ઉલ્લુ બનાવે છે. સાવ આવી ફાલતુગીરી કેમ કરતા હશે. આ એ જ દર્શક છે જે મારવેલની ફિલ્મના મનભરીને વખાણ કરતા હતા.
બાહુબલીની પેટભરીને પ્રશંસા કરતા લોકોએ કહ્યું કે છેલ્લા સિનમાં દેખાઇ આવે કે આ સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે. સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝીંદા હૈના એક્શન સિન્સની પણ લોકોએ ટીકા કરી હતી, અને હવે રેસ 3 માટે પણ લોકો એવું જ કહી રહ્યા છે.
શું સારા એક્શન સિન્સ પર ફક્ત હોલિવુડન જ ઇજારો છે કે આપણી ઓડિયન્સ જ એવું માની બેઠી છે કે વિદેશી ફિલ્મોમાં જ સારી એક્શન થઇ શકે. દલીલ કરતા લોકોએ પહેલા બોલિવુડ એક્શનને સ્વીકારવી જોઇએ.