વિજય માલ્યાને ફટકો : ૧૦ હજાર કરોડના કાયદાકીય દાવામાં લંડનની કોર્ટમાં દાખલ કરેલો કેસ ભારતીય બેંકો જીતી ગઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતમાંથી કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી જનાર વિજય માલ્યાને બ્રિટનની કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. લંડનની કોર્ટે ભારતીય બેંકો તરફથી ૧.૫૫ અબજ ડોલર(૧૦ હજાર કરોડ રૃપિયા)થી વધુ રકમ પરત મેળવવા દાખલ કરેલા કાયદાકીય દાવામાં માલ્યાની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો છે.

કેસની સુનાવણી કરી રહેલા જજ એન્ડ્રયુ હેનશોએ મંગળવારે જણાવ્યું હતું કે આઇડીબીઆઇ બેંક સહિત તમામ ધિરાણકર્તા ભારતીય કોર્ટ તરફથી આપવામાં આવેલા એ આદેશને લાગુ કરી શકે છે કે જે માલ્યા પર તેમની ડિફોલ્ટ થયેલી કિંગફિશર એરલાઇન્સનું ૧.૪ અબજ ડોલરનું દેવું જાણી જોઇને ડિફોલ્ટ કરવાના આરોપો સાથે સંબધિત હતું. આ ઉપરાંત જજ હેનશોએ માલ્યાની સમગ્ર વિશ્વમાં આવેલી તમામ સંપત્તિ જપ્ત કરવાના આદેશને પરત લેવાનો પણ ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૬૨ વર્ષીય વિજય માલ્યા બ્રિટન અને તેની આસપાસના દેશોમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોને પગલે અનેક કાયદાકીય કેસોનો સામનો કરી રહ્યાં છે. માલ્યાની એક વર્ષ પહેલા લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી પણ થોડાક જ સમયમાં તેમને જામીન મળી ગયા હતાં.

બીજી તરફ ભારતમાં દિલ્હીની કોર્ટે પીએમએલએ કેસમાં વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવા નવેસરથી આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેરાનો ભંગ કરવાના કેસમાં માલ્યાને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં તે કોર્ટમાં હાજર ન થતા તેમની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી પાંચ જુલાઇએ કરવામાં આવશે.

૧૩ બેંકોએ લંડનની કોર્ટમાં માલ્યા વિરુદ્ધ દાવો માંડયો હતો માલ્યા પાસેથી ૧૦ હજાર કરોડ રૃપિયા પરત મેળવવા ભારતની ૧૩ બેંકોએ લંડનની કોર્ટમાં માલ્યા વિરુદ્ધ દાવો માંડયો હતો.

Share This Article