- જામનગરનું લાખોટા મ્યુઝિયમ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયેલ
- લાખોટા કોઠા-કિલ્લાનું ઇ.સ.૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૬૪ના નિષ્ફળ ચોમાસા દરમિયાન જામ રણમલજી-૨ દ્વારા દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલુ
જામનગરની શાન સમા લાખોટા કોઠા મ્યુઝિયમનું રૂ.૧૮ કરોડના ખર્ચે ૫ મે ના લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર હોય મ્યુઝિયમમાં ઉભી કરાયેલ સુવિધા તથા ઇતિહાસ જાણીએ….
લાખોટા કોઠાનો ઇતિહાસ જોઇએ તો લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે. ઇ.સ.૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૬૪ ના નિષ્ફળ ચોમાસ દરમિયાન જામ રણમલજી-૨ ના હુકમથી આ કોઠાનું દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલ છે. હકીકત તો એવી છે કે આ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું. જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયો હતો. આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે. ઇ.સ.૧૯૬૪માં નવાનગર રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા આ સંગ્રહાલયનું નિર્માણ કરાયુ હતું.
ભૂતકાળમાં આવેલ ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા તેમજ સંગ્રહાલયનું કાયાકલ્પ કરીને સ્થાપત્યના સાચા મહિમાના ગંતવ્યને ફરી સ્થાપિત કરવા જરૂરી હતા.
મુખ્ય લાક્ષણિકતાઓ જોઇએ તો જામ રાવળજીની પ્રતિમા, દેરાણી જેઠાણી સ્મારક, ધ્વજાદંડ, ઝરૂખાઓ, કમાનો,ઘડિયાલી કુવો, જામ રણજીતસિંહજીની પ્રતિમા અને દિગ્જામ આરસો, રણમલ તળાવ પરની છત્રીઓ, જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમા, પ્રવેશદ્વાર, કૂંક મારીને નીકળતું પાણી, કાષ્ટ ચિત્રકલા, કાષ્ટ કોતરણીવાળી કમાનો, કાષ્ટ પુલ(લાકડાનો પુલ) આવેલ છે.
મ્યુઝિયમમાં થયેલ કામગીરી જોઇએ તો આ પ્રદેશની જૂનવાણી પધ્ધતિથી રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, કોઠાની અંદર તેમજ બહારના પાથવેનું ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણી સ્થાપત્યનું રી પ્રોડકશન વર્ક, કોઠાના દરેક બારી – દરવાજા તેમજ છતમાં રહેલ લાકડાનું કન્સોલીડેશન વર્ક, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ, જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર માટે મૂકવામાં આવેલ છે, લાખોટા કોઠા પર જુદી જુદી જગ્યોઓએ રણમલ તળાવના વિભિન્ન દ્રશ્યો અને ખાસ કરીને બર્ડ વોચર્સ માટે બાઇનોકયુલર્સ ગોઠવવામાં આવેલ છે, લાખોટા કોઠાની બંને બાજુએથી સરળતાથી પ્રવેશ તેમજ નિકાસ માટે આકર્ષક પ્રવશેદ્વાર બનાવવામાં આવેલ છે. લાખોટા કોઠા સ્થાપત્યનું સંપૂર્ણ લાઇટીંગ અને ઇલેકટ્રીફિકેશન વર્ક, લાખોટા કોઠા તેમજ રણમલ તળાવના જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી અને રક્ષણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખના કામ અંતર્ગત આ પ્રોજેકટ માટે કુલ ૧૮ કરોડના કામો થયા છે.