લુધિયાણા : પંજાબના લુધિયાણાની હાઈસિક્યુરિટી જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે જારદાર સંઘર્ષ દરમિયાન આશરે એક ડઝન કેદીઓ અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. મળેલી માહિતી મુજબ કેદીઓના એક જૂથે ગેસ સિલિન્ડરના માધ્યમથી આગ ચાંપી દીધી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જેલમાં કેદીઓની વચ્ચે રક્તપાતની માહિતી મળતાની સાથે જ જેલ વહીવટીતંત્ર અને લુધિયાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ સ્થિતિ એ વખતે વધારે ખરાબ થઇ ગઇ હતી જ્યારે જેલમાં બંને તરફથી જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ ગાળા દરમિયાન જેલ સંકુલમાં જોરદાર પથ્થરમારા વચ્ચે બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. જેલમાં ચારેબાજુ અફડાતફડી મચી ગઈ હતી. આ ગાળા દરમિયાન ફાયદો ઉઠાવીને કેટલાક કેદીઓ ફરાર થઇ ગયા હતા. જેલ સંકુલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવી હતી. કેદીઓને અલગ પાડવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધી જારદાર તપાસ કરવામાં આવ્યા બાદ આખરે કેદીઓને બેરેકમાં ફરી બંધ કરવામાં સફળતા મળી હતી.
બીજી બાજુ જેલમાંથી ફરાર થયેલા ચાર કેદીઓને પોલીસ પરત પકડી લેવામાં સફળ રહી છે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા પંજાબની પટિયાલાની નવી નાભા જેલમાં સિરસાના ડેરા સચ્ચા સોદાના સમર્થકો અને અન્યો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. બે સાથી કેદીઓ વચ્ચે વિવાદ થયા બાદ આ મારામારી થઇ હતી. આગામી દિવસોમાં લુધિયાણાની જેલમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.