ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં ખોડા પોલીસ મથકની હદના દીપક વિહાર વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. નમાજ પઢવાના મુદ્દે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ આપત્તિ નોંધાવી છે. રસ્તા પર નમાજ પઢવાને લઈને ટ્વીટના માધ્યમથી પોલીસને જાણકારી અપાઈ હતી. પોલીસે વિવાદની જાણકારી મળ્યા બાદ ઈમામ અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હવે ગાઝિયાબાદ પોલીસ રસ્તા પર નમાજ પઢનારા લોકોની ઓળખ કરીને કાર્યવાહીની વાત કરી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી વિકાસ મિશ્રાએ કહ્યું કે મે પોતે નમાજનો વીડિયો ટ્વીટ કર્યો હતો. અહીં એક ૫૦ ગજની મસ્જિદ છે. આ અગાઉ તેણે મદરેસા તરીકે શરૂ કર્યું હતું અને હવે તેને મસ્જિદ બનાવી દીધી છે. તેના પર પહેલા પણ વિવાદ થયો હતો. આનાથી વધુ નિર્માણ કાર્ય ત્યાં થઈ શકે તેમ નથી. આ મસ્જિદથી ૫૦૦ મીટરની અંદર એક અન્ય મોટી મસ્જિદ છે. અહીં મોટી સંખ્યામાં લોકો નમાજ પઢી શકે તેમ છે. પણ તેઓ ત્યાં નમાજ પઢતા નથી.
જાણી જોઈને હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં નમાજ પઢવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે હિન્દુઓને પરેશાન કરવા માટે અહીં નમાજ પઢવામાં આવે છે. મારા ટ્વીટ કર્યા બાદ એસએસપીએ પોતે મામલાને ગંભીરતાથી લીધો અને પછી કેસ દાખલ કરવામાં આવ્યો. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે હવેથી રોડ પર આ રીતે નમાજ પઢવામાં આવશે નહીં. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તો બંધ કરીને નમાજ પઢવાથી આવતા જતા લોકોને ખુબ મુશ્કેલી થાય છે. નમાજ મસ્જિદમાં પઢવી જોઈએ. રસ્તો બંધ કરવો યોગ્ય નથી. પોલીસે તેને રોકવું જોઈએ અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.