હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નૂરપુરમાં એક ખાનગી સ્કૂલની બસ ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી જતા ૨૭ બાળક સહિત ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બસ ડ્રાઇવર પણ સામેલ છે. વઝીર રામસિંહ મેમોરિયલ સ્કૂલની બસમાં કુલ ૪૦ લોકો સવાર હતા, જેમાંથી ૩૦નાં મોત થઇ ગયા છે અને ૧૦ બાળકો ઘાયલ છે તેમ હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન સુરેશ ભારદ્વાજે જણાવ્યું છે.
સુપ્રિટેન્ડ ઓફ પોલીસ પતયાલના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા બાળકોની ઉંમર ૧૦ વર્ષથી ઓેછી હતી.આ બસ સ્કૂલમાંથી બાળકોને લઇને તેમના ઘરે મૂકવા જઇ રહી હતી. હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે. તપાસના અંતે જ આ દુખદ ઘટનાનું કારણ જાણી શકાશે.