હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત ૭,૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલામાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ ૬ લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મંડી શહેરની પ્રખ્યાત તરણા ટેકરી હવે તુટી જવાના આરે પહોંચી ગઈ છે. આ ટેકરીમાં મોટી તિરાડો દેખાય છે. રસ્તાઓમાં મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં બનેલા મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. હિમાચલની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કુદરતની આ તબાહી આવી છે અને તેની અસર પંજાબ સુધી પહોંચી છે. આ રાજ્યોમાં NDRFની ૩૦ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. મંડી જિલ્લામાં ૧૩થી ૧૫ ઓગસ્ટ વચ્ચે પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીંયા ૨૬૭ લોકોના ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. ૩૧ કરોડથી વધુનું નુકસાન થયું છે. મંડીના ADC નિવેદિતા નેગીના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને જોતા જલ શક્તિ વિભાગના ચીફ એન્જિનિયરે ઓફિસને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે અને નીચાણવાળા વિસ્તાર તરફ રહેતા લોકોને પણ તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વિસ્તારોમાં સ્થિર છે, જ્યારે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે, જ્યાં એરફોર્સના જવાનો લોકોને બચાવવામાં રોકાયેલા છે.

એરફોર્સે ગઈ કાલે કાંગડા જિલ્લામાંથી ૨૨૦ થી વધુ લોકોને બચાવ્યા હતા. ત્રણ દિવસમાં ૧,૦૦૦ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી માટે તૈયાર છે. દરમિયાન NDRFની ટીમ પણ પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે. તેમને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.

Share This Article