પટનામાં નિયુક્તિ પત્ર વિતરણ દરમિયાન મહિલા ડોક્ટરનો હિજાબ હટાવવાના પ્રયાસના લઈને એક તરફ જ્યાં વિપક્ષી દળ નીતિશ કુમાર પર પ્રહાર કરી રહ્યાં છે તો બીજી બાજુ બીજેપી એ મુખ્યમંત્રીનું સમર્થન કર્યું છે. બીજેપીના વરિષ્ઠ નેતા હરિભૂષણ ઠાકુર બચૌલે ગુરુવારે કહ્યું કે, આખા ભારતમાં હિજાબ પર પ્રતિબંધ લાગવો જોઈએ. જાહેર સ્થળે, સરકારી નોકરીઓમાં પણ હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
હિજાબ ઉતારીને નીતિશ કુમારે યોગ્ય કર્યું
બચૌલે કહ્યું કે હિજાબની આડમાં આતંકવાદ ફેલાય છે. આતંકી ઘટનાઓને અંજામ આપ્યા બાદ આતંકીઓ હિજાબ પહેરીને ભાગી જાય છે. જેમને હિજાબ પહેરવો હોય તે પાકિસ્તાન જતા રહે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી નહીં માગે. તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. નિમણૂક પત્ર વિતરણ સમારંભ દરમિયાન મહિલા ડૉક્ટરનો હિજાબ ખેંચીને તેમણે યોગ્ય કર્યું.
બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે જે મહિલા ડૉક્ટર હિજાબ પહેરીને નિમણૂક પત્ર લેવા આવી હતી, તેને બિહાર છોડીને જતું રહેવું જોઈએ. તે ચહેરો ઢાંકીને નિમણૂક પત્ર લેવા આવી હતી.
બીજેપી નેતાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. આરજેડી નેતા મુકેશ કુમાર રોશને બચૌલને દંગાઈ ગણાવ્યા. તેમણે કહ્યું કે બચૌલ હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે. તેમણે તાત્કાલિક બચૌલની ધરપકડ કરવાની માંગ કરી.
સાથે સાથે મુકેશ રોશને કહ્યું કે નીતીશ કુમારનું મેન્ટલ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે. તેઓ માનસિક રીતે બીમાર છે. જે મહિલા ડૉક્ટરનો હિજાબ ખેંચાયો હતો, તેણે બિહાર છોડી દીધું છે. તે હવે અહીં નોકરી નહીં કરે અને પશ્ચિમ બંગાળ ચાલી ગઈ છે. આ બિહાર માટે શરમજનક બાબત છે.
