કોઇપણ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આબોહવાની પરિસ્થિતિઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, ઓદ્યોગિકરણ વસ્તી વધારો, ભૂગર્ભજળના નીચે જતા સ્તર, ઘરગથ્થુ હેતુઓ માટે પાણીનો વપરાશ વગેરેની વધતી જતી માંગ જેવા પ્રતિકૂળ કારણોને લીધે જળ સંપત્તિના જ્થ્થામાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોની વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અને કુદરતી રીતે જળસંશાસાધનોની અસમાન ઉપલબ્ધતાને કારણે આ સમસ્યા વધી રહી છે.
- રાજ્યમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાનું નેટવર્ક ૮ મહાનગરપાલિકા, ૧૬૨ નગરપાલિકા અને ૮૫ અર્બન વિસ્તારમાં ઉપલબ્ધ છે. આ ભૂગર્ભ ગટર યોજનાના નેટવર્ક થકી ગટરના પાણીનું એકત્રીકરણ કરી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે, જેના થકી આશરે ૨૬૦૦ એમ.એલ.ડી.જેટલું સિવેજનું ગંદુ પાણી હાલમાં હયાત બાવન જેટલા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.
- મહાનગરપાલિકાઓમાં ૨૦ એસટીપીના કામો પ્રગતિ હેઠળ છે.
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ૧૫૪ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવામાં આવેલ છે. હાલમાં ૧૮ નગરપાલિકાઓમાં એસટીપી ઉપલબ્ધ છે, જ્યારે ૨૦ નગરપાલિકાઓમાં એસટીપી નિર્માણાધીન છે.
- નગરપાલિકાઓમાં બાકી રહેતાં ૧૨૧ એસટીપીનું આયોજન કરવામાં આવેલું છે જે પૈકી બાવન એસટીપી હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
- રાજ્યમાં ૧૬૧ જેટલા ‘‘સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’’ બનાવવાનું આયોજન કરાયેલું છે. જેથી આવનારા બે વર્ષમાં આશરે ૨૮૦૦ એમ.એલ.ડી. જેટલી શુદ્ધિકરણ ક્ષમતામાં વધારો થશે. આથી શુદ્ધિકરણ થયેલ પાણીનો આશરે ૫૦૦૦ એમ.એલ.ડી. જેટલો જથ્થો ઉપલબ્ધ થશે.
આથી શુદ્ધિકરણ થયેલ પાણીના પુનઃઉપયોગ કરવાની અને પાણીના સંસાધનોને વધુ સુદ્રઢ કરવાની એક મોટી તક ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ગટરના પાણીની એકત્રીકરણ વ્યવસ્થા અને શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો થયેલો છે.
- ગટરના પાણીનું વધુમાં વધુ એકત્રિકરણ અને શુદ્ધિકરણ કરી તેનો મહત્તમ પુનઃઉપયોગ કરી શકાય તે ધ્યેય સાથે ગટરના શુદ્ધ કરેલ પાણીના પુનઃઉપયોગ અંગેની નીતિ તૈયાર કરવામાં આવેલી છે. આ રીતે શુદ્ધ પાણીના સ્ત્રોતો એટલે કે નર્મદાનુ પાણી / સર્ફેસ સોર્સ અને ભૂગર્ભજળ સ્ત્રોત પરની ભારણ ઘટાડી શકાય છે.
- આ નીતિ અનુસાર ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી, તેનો પુનઃઉપયોગ આર્થિક સ્ત્રોત તરીકે કરી શકાય તેમ છે.
આજે સમગ્ર વિશ્વ, ભૂગર્ભજળ કે અન્ય ઉપલબ્ધ જળસંસાધનોમાં પ્રદુષણ ઘટાડવા માટે, ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી પીવાના હેતુ સિવાયના વપરાશ અન્ય વપરાશ માટેના પુનઃઉપયોગને એક આદર્શ વૈકલ્પિક સ્ત્રોત તરીકે જુએ છે.
- ગટરના પાણીને શુદ્ધિકરણ કરી પુનઃઉપયોગથી સ્થાનિક સંસ્થા માટે એક વધારાની આવકનો સ્ત્રોત ઉભો થશે અને શુદ્ધિકરણની કામગીરીને નાણાકીય રીતે સ્વનિર્ભર કરી શકાશે.
- વર્ષ ૨૦૩૦ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીનો સંપૂર્ણપણે પુનઃઉપયોગ કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે નીતિમાં સમય-મર્યાદા સહિતનું આયોજન કરવામાં આવેલ છે.
નીતિના લક્ષ્યાંક
- તમામ સ્થાનિક સંસ્થાના વિસ્તારમાં લઘુતમ ૮૦ ટકા કવરેજ કરી ગટરના પાણીનું એકત્રીકરણ કરવું.
- એકત્રીત થયેલ ગટરના પાણીના ૧૦૦ ટકા જથ્થાનું નિર્ધારિત માપદંડો મુજબ શુદ્ધિકરણ કરવું.
- નીતિમાં જણાવ્યા મુજબની સમયમર્યાદામાં, દરેક શહેરી વિસ્તારમાં શુદ્ધ પાણીના કુલ વપરાશના ઓછામાં ઓછા ૨૫ ટકા જથ્થા જેટલું પાણીનું ગટરના પાણીનો શુદ્ધિકરણ કરી પુનઃઉપયોગ કરવો.
- ૨૦૨૫ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૭૫ ટકા પુનઃઉપયોગ કરવો.
- ૨૦૩૦ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૧૦૦ ટકા પુનઃઉપયોગ કરવો.
પાણીના વપરાશકર્તા
૧) થર્મલ પાવર પ્લાન્ટ :
- સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા થર્મલ પાવર પ્લાન્ટ (TPP) માં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે.
ર) ઓદ્યોગિક એકમો :
- સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા જીઆઇડીસી, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં આવેલ ઓદ્યોગિક એકમો, ઓદ્યોગિક પાર્ક અને મોટા ઓદ્યોગિક એકમો જેમાં દૈનિક ઓછામાં ઓછું એક લાખ લિટર પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય કામોના વપરાશમાં લેવાતું હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
- જ્યાં પાણીના વપરાશ દરમિયાન મનુષ્ય સાથે સીધો સંપર્ક થાય અથવા મનુષ્ય દ્વારા સીધી ઉપયોગમાં લેવાતી વસ્તુ પ્રોસેસ થતી હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે નહી. પરંતુ આવા એકમો દ્વારા માનવ સંપર્ક રહિત અન્ય ઉપયોગ (જેમ કે બાગ બગીચા, ટોઇલેટ ફ્લશીંગ વગેરે) માટે શુદ્ધિકરણ થયેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
બાંધકામ ક્ષેત્રે ઉપયોગ :
- ટેન્કર ફીલીંગ પોઇન્ટ મારફત.
- વિકસતા વિસ્તારોમાં શક્ય હોય તો અલાયદી પાઇપલાઇન નાખી ઉપયોગ
વાણિજ્ય સંકુલો અને સંસ્થાઓ :
- મોટા વાણિજ્યક સંકુલો અને સંસ્થાઓમાં માનવસંપર્ક રહિત વપરાશ જેમ કે ટોયલેટ ફ્લશીંગ, અગ્નિશામક અને બાગ-બગીચામાં વપરાશ માટે ઉપયોગ.
મ્યુનિસિપલ વપરાશ :
- ઉદ્યાનો અને બગીચાઓની જાળવણી અને શહેરી લેન્ડસ્કેપિંગ વિકસાવવી.
- તળાવો અને નદીઓનું રીજ્યુવેશન.
- ફાયર બ્રિગેડ વગેરે માટે પાણી પુરવઠો
- ગટરના શુદ્ધિકરણ કરેલ પાણી તરફની સામાજિક સંવેદનશીલતા અને જાહેર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેતા, હાલમાં તે પીવાનાં હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં અને સીધા માનવસંપર્ક થતો હોય તેવા કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
- ભવિષ્યમાં પાણીની માંગમાં વધારો, શુદ્ધિકરણની ટેક્નોલોજિમાં સુધારા, સ્પર્ધાત્મક દરો અને જાહેર અભિગમમાં બદલાવ થતાં, પીવાના હેતુ માટે ગટરના શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ અને ભવિષ્યમાં વિચારી શકાશે.
શુદ્ધિકરણ કરેલ પાણીના કનેક્શન
- શુદ્ધિકરણ કરેલ પાણીની ઉપલબ્ધતા થતા વપરાશકર્તાઓને મળતા શુદ્ધ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે.
પ્રોજેક્ટ
- શુદ્ધિકરણ કરેલ પાણીનો પુનઃ ઉપયોગ કરી શકે તેવા વપરાશકર્તાઓને ધ્યાને લઇ શુદ્ધિકરણ કરેલ પાણીના ઉપયોગના પ્રોજેક્ટ બનાવવામાં આવશે. SHPC દ્વારા પ્રોજેક્ટ્સની સૈદ્ધાંતિક મંજૂરી અપાશે.
ગવર્નન્સ વ્યવસ્થા
૧) સ્ટેટ લેવલ હાઇ પાવર કમિટી (SHPC)
- નીતિના અમલીકરણ અંગે નિર્ણય લેવા રાજ્યસ્તરની સર્વોચ્ચ સંસ્થા રહેશે.SHPC ની મુખ્ય ભૂમિકામાં પ્રોજેક્ટની મંજૂરી, શુદ્ધિકરણ થયેલ પાણીની કિંમતની મંજૂરી અને ફાળવણી, મોનીટરીંગ, નીતિ સલાહકાર, વિવાદોનાં સમાધાન/મુદાઓ વગેરેનો સમાવેશ થાય છે.
૨) સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (SLTC)
- સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (SLTC) દ્વારા પ્રોજેક્ટની તાંત્રિક મંજૂરી, પ્રોજેક્ટના કરારનામાનો મુસદો , પ્રોજેક્ટ અમલીકરણની દેખરેખ, સંચાલન અને મરામત માટે માર્ગદર્શિકા આપવી વગેરે તેમજ સરકારશ્રી અને SHPC દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કાર્યો કરવાના રહેશે.
૩) TWW સેલ
- મુખ્ય ઇજનેરના સ્તરના અધિકારીના નેતૃત્વ હેઠળ રચવાનું રહેશે.
- ડીપીઆર બનાવવાની કામગીરી, એસટીસી/એસએચપીસીને સહાય કરવી અને પ્રોજેક્ટનું સંકલન અને અમલીકરણ.