અમદાવાદ : રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટને લઈ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાય ભારે નારાજ થયા છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શિક્ષણમંત્રી ચુડાસમાના વલણથી નારાજ થતાં તીખી આલોચના કરતાં જણાવ્યું કે, હું પાર્લામેન્ટ સામે મહાભિયોગનો સામનો કરવામાં ઓછો અપમાનિત થઈશ. પરંતુ જો કોઈ એવો આક્ષેપ કરે કે, કોર્ટ કોઈની પાછળ કામ કરે છે તો તે ચલાવી લેવાશે નહીં.
જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રસિંહના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયને કહ્યું કે, શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી કાર્યવાહી થાય છે. તેની બધાને ખબર છે, મારે કોઈના સર્ટિિફકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું. હાઇકોર્ટ જજના આકરા મિજાજને પગલે ગુજરાતના ન્યાયતંત્રમાં, સરકારમાં અને વકીલઆલમમાં જબરદસ્ત પ્રત્યાઘાત પડયા છે.
હાઇકોર્ટ જજની તીખી ટિપ્પણીઓને લઇ ભારે ચકચાર મચી ગઇ છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી જીતનો કેસ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહની ૩૨૭ મતે જીત થઈ હતી. ત્યારબાદ તેની સામે લડેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અશ્વિન રાઠોડે દાવો કર્યો હતો કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે. પોતાની અરજીમાં રાઠોડે કહ્યું હતું કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા ૪૨૯ મતોને રિટર્નીંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા. જેના કારણે ચુડાસમા જીત્યા છે, અન્યથા તેઓ હારી જાત.
દરમ્યાન હાઇકોર્ટમાંથી યોગ્ય રાહત નહી મળતાં ચુડાસમાએ સુપ્રીમકોર્ટમાં ઘા નાંખી હતી, જેમાં કરેલા સોગંદનામાને લઇ આ વિવાદ સામે આવ્યો છે. જા કે, સુપ્રીમ કોર્ટે ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અશ્વિન રાઠોડની અરજી રદ કરવાનો ઈન્કાર કર્યા બાદ આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટ મતગણતરી સમયના વીડિયો રેર્કોડિંગની પણ તપાસ કરશે. આગામી દિવસોમાં આ કેસની સુનાવણી ઘણી મહત્વની બની રહેશે.