અમદાવાદ : કેન્દ્રીય મંત્રી અને ભાજપાના પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવીયાએ હાઇકોર્ટના ચૂકાદા અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ભાજપાએ હંમેશા બંધારણનું સન્માન કર્યુ છે. ભાજપા ક્યારેય કોઇને ચૂંટણી લડતા અટકાવતું નથી. હાર્દિક ચૂંટણી ન લડી શકે તે નિર્ણય હાઇકોર્ટનો છે. હાઇકોર્ટ એ બંધારણીય સંસ્થા છે અને તેનો નિર્ણય બધા માટે શિરોમાન્ય હોય છે. માંડવીયાએ જણાવ્યુ હતુ કે, બંધારણીય સંસ્થાઓનું અપમાન અને અવગણના કરવી તે કોંગ્રેસની હંમેશા નીતિરીતિ રહી છે.
કેગના રિપોર્ટ ઉપર શંકા કરવી, સીબીઆઇની નિષ્પક્ષ તપાસો સામે આંગળી ઉઠાવવી, ઇવીએમ મશીન પર શંકા કરવી, છત્તીસગઢ-મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જો કોંગ્રેસ જીતે તો ઇવીએમ સાચા પરંતુ જે રાજ્યોમાં કોંગ્રેસ હારે ત્યાં ઇવીએમ ખોટા તે જ રીતે જો પોતાની તરફેણમાં ચૂકાદો આવે તો કોર્ટના નિર્ણયો સ્વીકાર્ય પરંતુ જો પોતાની વિરૂધ્ધમાં ચૂકાદો આવે તો બંધારણીય સંસ્થાઓને બદનામ કરવી અને તેનું અપમાન કરવું તે કોંગ્રેસની વર્ષોથી નીતિ રહી છે.