શ્રીનગર: હાલમાં જ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને પોલીસ કર્મચારીઓને રાજીનામુ આપી દેવા અથવા તો મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. હિઝબુલના ધમકી ભરેલા પોસ્ટર જમ્મુ કાશ્મીરના અનેક ગામોમાં લગાવી દેવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા ઉપર વિડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે. આમા જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો પોલીસમાં નોકરી કરી રહ્યા છે તે લોકો ચાર પાંચ દિવસની અંદર જ રાજીનામુ આપી દે. રાજીનામુ નહીં આપનારને પરિણામ ભોગવવા પડશે.
હાલમાં જ ૧૨ મિનિટનો એક વિડિયો જારી કરાયો હતો ત્યારબાદ હવે ફરી એકવાર બે મિનિટનો વિડિયો જારા કરાયો છે જેમાં પોલીસ અને તેમના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવવાની ધમકી આપવામાં આવી હતી. રાજીનામાની કોપી ઇન્ટરનેટ ઉપર મુકવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પંચાયત ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે.