હેરાલ્ડ મામલે ૨૮મીએ વધુ સુનાવણી હાથ ધરવા તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આજે જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ પબ્લિશર એસોસિએટેડ જર્નલ લિમિટેડની અરજી પર ૨૮મી જાન્યુઆરીના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે તેના સંકુલને ખાલી કરી દેવાના સિંગલ જજના આદેશને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન દ્વારા આજે કેટલાક આરોગ્યના મુદ્દાઓને રજૂ કરીને સુનાવણી હાથ ધરી ન હતી. આના પરિણામ સ્વરુપે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનના નેતૃત્વમાં બેંચે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી નેતૃત્વ કર્યું તું જ્યારે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ એજેએલ તરફથી રજૂઆત કરી હતી.

આ બંને સહમત થતાં હવે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેઓ સર્જરી કરાવવા જઈ રહ્યા છે જેથી ૨૪મી જાન્યુઆરી બાદ જ આ મામલા ઉપર સુનાવણી હાથ ધરી શકશે. આ બેંચમાં જસ્ટિસ વીકે રાવ પણ રહેલા છે. બીજી બાજુ વીકે રાવની બનેલી બેંચે ૨૮મી જાન્યુઆરીના દિવસે સુનાવણી માટે આ અપીલ મુકી દીધી છે. અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે ૨૧મી ડિસેમ્બરના દિવસે દિલ્હી હાઈકોર્ટે એસોસિએટ્‌સ જનરલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. બે સપ્તાહની અંદર જ હવે હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ૩૦મી ઓક્ટોબરના દિવસના હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના ચુકાદાને પડકાર ફેંકીને નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટ્‌સ જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ૨૧મી ડિસેમ્બરના દિવસે ફગાવી દીધી હતી ૩૦મી ઓક્ટોબરની સરકારની નોટિસ ઉપર એજેએલની અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પાર્ટીને આની સાથે જ મોટો ફટકો પડ્યો હતો. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ મામલામાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્યએ કાવતરા હેઠળ ૫૦ લાખ રૂપિયાની ચુકવણી કરીને છેતરપિંડી કરી હતી જેના મારફતે યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ૯૦.૨૫ કરોડ રૂપિયાની રકમ વસુલ કરવાના અધિકારો મેળવી લીધા હતા જેને એસોસિએટ્‌સ જનરલને કોંગ્રેસને આપવાના હતા. આ મામલામાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, શામ પિત્રોડા, સુમન દવે આરોપી તરીકે છે. આ તમામ આરોપી હાલમાં જામીન ઉપર છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની મુશ્કેલી આના લીધે વધી શકે છે.

Share This Article