નવી દિલ્હી : આઈએસ પ્રત્યે હળવું વલણ ધરાવનાર યુવાનોને શોધી કાઢવા માટેની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. આના ભાગરુપે સોશિયલ નેટવર્કિગ સાઇટ ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા જ આ સંદર્ભમાં ભારે હોબાળો મચ્યો હતો.
અલબત્ત આઈએસ પોતાનું નેટવર્ક ભારતમાં સ્થાપિત કરવામાં સફળ રહ્યું નથી પરંતુ તેના પ્રત્યે હળવું વલણ ધરાવનાર યુવાનોની વિગત અગાઉ મળી હતી જેના આધાર પર હળવું વલણ ધરાવનાર ૧૫૦થી વધુ ભારતીય યુવાનોની આઈએસ તરફી વેબસાઈટ, ટ્વીટર હેંડલ્સ, ફેસબુક એકાઉન્ટ પરની ઓનલાઈન ગતિવિધિ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. હાલમાં ભારતની આઈએસ વિરોધી વ્યુહરચનામાં આજ વ્યુહરચના અપનાવવામાં આવી રહી છે.
નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એનટીઆરઓ) માંથી નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે. દેશભરમાં આઈએસ સંબંધિત ઓનલાઈન ટ્રાફિક ગતિવિધિ ઉપર પણ નજર રખાઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા યુવાનોની સંખ્યા સૌથી વધારે છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી વધારે રસ ધરાવનાર લોકો છે. જેમાં શ્રીનગર, ગુવાહાટી, હાવડા, મુંબઈ અને ઉનાવનો સમાવેશ થાય છે. સર્વેમાં જણાવાયું છે કે, આઈએસના એજન્ડાને આગળ વધારી રહેલાઓની વય ૧૬થી ૩૦ વર્ષની વયની આસપાસ છે.