અમદાવાદ : શહેરમાં જો હવે તમે ટુ વ્હીલર પર નીકળો અને હેલ્મેટ ન પેહર્યું હોય તો ૧૦૦ રૂપિયાનો ચાંદલો નક્કી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કામ કરતી રોડ સેફટી કમિટીના સર્વેમાં ૩૪ ટકા અમદાવાદીઓ જ હેલ્મેટ પહેરતા હોવાનું બહાર આવતા હવે ટ્રાફિક પોલીસ કડક બની છે. પોલીસ દ્વારા કોઈ પણ વિસ્તારમાં એક પોઇન્ટ બનાવીને ૪૦ જેટલા પોલીસ કર્મીઓ હેલ્મેટ પહેર્યા વિના પસાર થતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે. શહેર ટ્રાફિક પોલીસે રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં હેલ્મેટની ઝુંબેશ ચલાવી કસૂરવાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરાયો હતો. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ જારી રખાય તેવી શકયતા છે. બીજીબાજુ, હેલ્મેટને લઇ પોલીસની ફરી એક વખત શરૂ કરાયેલી કડકાઇને લઇ નાગરિકોમાં થોડી નારાજગીની લાગણી ફેલાવા પામી છે.
છેલ્લા બે દિવસથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગરના વાહનચાલકો સામે ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર નો હેલ્મેટ નો ગો ઝોન કરી હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. ગઈકાલે પણ સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે પણ ડ્રાઈવ યોજીને ૨૪૦૦થી વધુ અમદાવાદીઓને દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ હેલ્મેટ વગરના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે. ટ્રાફિક ડીસીપી(વેસ્ટ ઝોન) ડા. સંજય ખરાતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કામ કરતી રોડ સેફટી કમિટીના સર્વેમાં ૩૪ ટકા અમદાવાદીઓ જ હેલ્મેટ પહેરતા હોવાનું બહાર આવતા હવે અલગ અલગ જગ્યાએ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ અને અવેરનેસ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવશે. ૩૪ ટકાથી આ રેશિયો ૬૦થી ૭૦ ટકા સુધી પહોંચે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાહનચાલકો અને નાગરિકો પોલીસની આ ઝુંબેશ અને જાગૃતિમાં હકારાત્મક અભિગમ અપનાવી સહકાર આપે તો કાયદાની જાગવાઇનો સારી અને અસરકારક રીતે અમલ થઇ શકશે.