હિમાચલ પ્રદેશમાં ઓક્ટોબરની શરુઆત થતાં જ હિમવર્ષાનું આગમન પણ નોંધાઈ ગયું છે. ત્યારે ગઈકાલે સૌ પ્રથમ વખત હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે. અને અચાનક જ રાતોરાત વાતાવરણમાં પલટો આવતાં ગરમીનો પારો ગગડયો છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં રાતોરાત ગિરિમથક મનાલી અને રાજધાની શિમલામાં ભારે વરસાદનું આગમન થયું છે .
ગાજવીજ સાથે વાવાઝોડું અને ભારે વરસાદે ગઈકાલે રાત્રે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.રોહતાંગ જેવા ઊંચા વિસ્તારોમાં ભારે બરફ પડ્યો અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. ગઈ કાલે સિઝનની પહેલી ભારે હિમવર્ષા નોંધાઈ છે. હિમાચલ પ્રદેશમાં ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
બીજી બાજુ મેદાની ભાગોમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પરિણામ સ્વરુપે મેદાની ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.શિયાળાના આગમનની સાથે જ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં પર્યટકોના આવવાની શરૂઆત પણ થઈ જતી હોય છે. કોરોનનાં બે વર્ષ દરમિયાન આવા સ્થળ પર પ્રવાસન વ્યવસાય પણ મંદ પડ્યો હતો ત્યારે હવે હિમવર્ષાની શરૂઆત થતાં હોટેલ ધારકોમાં પણ ખૂશીની લહેર ફરી વળી છે. હિમાચલ પ્રદેશમાં ફ્કત દેશના જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે. પહાડોની રાણી તરીકે લોકપ્રીય હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા તેમજ સ્પીતિ અને લાહૌલની ખીણોએ ભારે હિમવર્ષા અનુભવી, તથા હિલ સ્ટેશન ચંબા, કુલ્લુ, કિન્નોરને વધુ મનોહર બનાવે છે. ચિટકુલના મનોહર પર્યટન સ્થળ અને જાજરમાન રોહતાંગ પાસને જોઈ રહેલી ટેકરીઓ પણ બરફાચ્છાદિત બની ગઈ છે. તથા પ્રવાસન સ્થળો જેવા કે કુફ્રી, ફાગુ અને નારકંડામાં વરસાદ પડયો છે. મનાલી માં ૧૫મીમી હિમવર્ષા તેમજ ધર્મશાળામાં ૮૧.૩મીમી વરસાદ નોંધાયો છે.