ડાંગ: રાજ્યના ચેરાપુંજી ગણાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અનરાધાર વરસાદ વરસતા, અહીં બારે મેધ ખાંગા થયા હોય તેવો માહોલ ખડો થયો છે.
સહ્યાદ્રિની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા સહિત જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વધઇ, અને નવરચિત સુબિરમાં અધધ વરસાદ નોંધાવા પામ્યો છે. તો ખૂબસૂરત ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદ મન મૂકીને વરસતા, સાપુતારાના પહાડોમાંથી નિકળતી અંબિકા નદી બે કાંઠે વહેવા લાગી છે.
૭મી જુલાઇનાં રોજ સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૧૧ ઇંચ જેટલો વરસાદ નોંધાવા ઉપરાંત સવારના ૬ વાગ્યાથી આ લખાય છે ત્યાં સુધી, એટલે કે બપોરના બે વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ ૧૭૦.૫ મી.મી. (વરસાદ ખાબકતા અહીંની લોકમાતાઓ ગાંડીતૂર બનવા પામી છે.
ડાંગ જિલ્લામાંથી નીકળતી અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી સહિત ધોધડ નદીમાં જંગલ પ્રદેશમાં ખાબકેલા અનરાધાર વરસાદના ધસમસતા નીર ફરી વળતા, ડાંગ જિલ્લા પ્રશાસને ૧૬ જેટલા આંતરિક માર્ગો વાહન વ્યવહાર તથા અવરજવર માટે બંધ કર્યા છે. અહીં કોઇ પણ જાતની દુર્ધટના ન સર્જાય તે માટે આવા માર્ગો ઉપર બંન્ને કાંઠે હોમગાડ્સ અને ગ્રામ રક્ષક દળના જવાનોને ફરજ નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધઇ થી સાપુતારા, વધઇ થી આહવા, આહવા થી સાપુતારા, આહવાથી મહાલ, મહાલ થી સુબિર, સુબિરથી આહવા જેવા દુર્ગમ અને ધાટમાર્ગો ઉપર ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાના બનતા બનાવોને પગલે તંત્રે અગમચેતીના ભાગરૂપે સંબંધિત તમામ ટીમોને તૈનાત કરી, જનજીવન પ્રભાવિત ન થાય તેની તકેદારી દાખવી છે.
ડાંગ કલેક્ટર બી.કે.કુમારના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લો ઇકો ટુરિઝમ જિલ્લો છે. ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય જોવા, અને ચોમાસાની મઝા માણવા માટે અન્ય જિલ્લાના પ્રવાસીઓ મોટેપાયે ડાંગ જિલ્લામાં આવતા હોય છે. તેમની સાથે કોઇ દુર્ધટના ન બને તે માટે વિશેષ કરીને અહીંના જળધોધ સહિત ધાટમાર્ગો ઉપરથી નીચે ખાબકતા નાનામોટા ધોધ, ધસમસતી નદીઓ, રૌદ્ર અને રમ્ય ખીણો જેવા સ્થળોએ કેટલીક વખત પ્રવાસીઓ જોખમી ફોટોગ્રાફી અને સેલ્ફી લઇને, તેમના માટે પણ સમસ્યા ઊભી કરતા હોય છે. આવા પ્રવાસીઓને તકેદારીના ભાગરૂપે સાવચેત અને સતર્ક રહેવા પણ કલેક્ટર કુમારે અપીલ કરી છે.
ડાંગ જિલ્લાના લાઇન ડીપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લૉક એલર્ટ રહી, હેડ ક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપી શ્રી બી.કે.કુમારે કોઇપણ ધટના વખતે ટીમ ભાવના સાથે જનજીવન રાબેતા મુજબનું જળવાઇ રહે તે માટે તમામ અધિકારીઓને તાકિદ કરી છે.
ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં જે ગામો અસરગ્રસ્ત થયા છે, તે ગામોમાં આહવા તાલુકાનું ગામ લહાનદભાસ, ચીરાપાડા, કુતરનાચ્યા, વાંગણ, ચવડવેલ, ગાયખાસ, બરમ્યાવડ, ચૌક્યા, પાંડવા, અંજનકુંડ, ખાજુર્ણા અને રાનપાડા સહિત વધઇ તાલુકાના ઉગા, ચીંચપાડા, કુમારબંધ, બોરદહાડ, લહાન બરડા, મોટા બરડા, સૂર્યા બરડા, ધોડવહળ, નિંબારપાડા, ચીખલદા અને સુસરદા જેવા ગામો, કોઝ વે ઉપર પાણી ફરી વળતા યાતાયાત માટે બંધ કરાયા છે. જેનાથી આ ગામોમાં રહેતા કુલ ૮૮૪૩ લોકોને અસર પહોંચી છે. ડાંગ જિલ્લાની તાસીર જોતા વરસાદ બંધ થતા આવા કોઝ-વે ઉપરથી ૪/પ કલાકમાં પાણી ઉતરી જતા, અહીં ફરી જનજીવન રાબેતા મુજબનું થઇ જતું હોય છે. તેમ છતાં તંત્રની ચાંપતી નજર આ વિસ્તારો ઉપર છે, તેમ ડાંગ કલેક્ટર શ્રી કુમારે વધુમાં જણાવ્યું હતું.