રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક સારી શરૂઆત થઇ છે. આગામી બે દિવસોમાં પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના બનેલા વેધર વૉચ ગૃપની તાકીદની બેઠક પછી રાહત નિયામક અને અધિક સચિવ મનોજ આર. કોઠારીએ જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન વલસાડ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અન્ય ૯ તાલુકાઓમાં પાંચથી સાત ઇંચ વરસાદ થયો છે. આગામી બે દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારનો ભારે વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સાબદું છે. અધિકારીઓ ફરજ પર તહેનાત છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને આગોતરાં પગલાં તરીકે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કયાંય કોઇ મોટી દુર્ઘટનાના અહેવાલો નથી.
ગુજરાત પર અત્યારે ઓફસોર ટ્રાફ અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશન એમ બે પ્રકારની સીસ્ટમ કાર્યરત છે. પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ રહ્યો છે. આ વાતાવરણ ધીમે ધીમે પૂર્વીય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એટલે આગામી ૨૪ કલાકમાં વડોદરાથી આગળ આણંદ, ખેડા, પંચમહાલ દાહોદ, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. આગામી ૪૮ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. ૪૮ કલાક પછી વરસાદનું જોર ધીમું પડશે. – તેમ ભારત સરકારના હવામાન વિભાગના અમદાવાદ ખાતેના નિયામક ડૉ.જયંત સરકારે જણાવ્યું હતું.
રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સાબદું રાખ્યું છે. આગોતરાં પગલાં તરીકે એન.ડી.આર.એફ.ની એક ટીમ વલસાડ મોકલવામાં આવી છે. અન્ય ટીમોને ડાંગ, સુરત, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, બગોદરા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગરમાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને પણ વાલીયા-ભરૂચ, સુરત, વડોદરામાં તહેનાત રાખવામાં આવી છે. આ ટીમો સ્થાનિક ફાયરબ્રિગેડ સાથે સંકલનમાં છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા, તેમણે પણ જરૂર પડે ત્યારે રાહત-બચાવ કામગીરીમાં તત્કાળ હાજર થવાની ખાતરી આપી હતી.
રાહત નિયામક મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, ભરૂચ પાસે એસ.ટી.બસ પર કેટલાક લોકો ચઢી ગયા હતા. પાણીમાં ફસાયેલી આ બસના તમામ મુસાફરોને સલામતીપૂર્વક ખસેડવામાં આવ્યા છે. તળાવ ફાટ્યું હોવાની વાત માત્ર અફવા છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે, ક્યાંયથી કોઇ મોટી દુર્ઘટનાના અહેવાલો નથી.