નવીદિલ્હીઃ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાવધાન થઇ ગયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અવિરત વરસાદના લીધે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કાંગડામાં બે લોકોના મોત થયા છે. કુલ્લુ મનાલીમાં પણ એક એક વ્યક્તિનું મોત થયું છે. આની સાથે જ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. કુલ્લુ માટે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
પંજાબના મુખ્યમંત્રીની ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. હિમાચલમાં ભારે વરસાદના કારણે રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહનો ફસાઈ ગયા છે. મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પંજાબમાં સતત બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. પંજાબ ઉપરાંત રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. હિમાચલ, પંજાબમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.
પંજાબમાં સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત ટીમોને સક્રિય કરવામાં આવી છે. પંજાબના અમૃતસર, ગુરુદાસપુર, જલંધર, લુધિયાણા, ફતેગઢ, કપુરથલા, રોપર, પટિયાલા, મોહાલીમાં ભારે વરસાદ થયો છે. બીજી બાજુ હિમાચલના અનેક ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પુરના લીધે કાંગડા જિલ્લામાં એક પુરુષ અને કુલ્લુ જિલ્લામાં એક મહિલાનું મોત થયું છે. કુલ્લુ જિલ્લા માટે હાઈેલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કુલ્લુના બજારામાં તણાઈ જવાથી યુવતીનું મોત થયું છે.
પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અમૃતસરમાં ભારે વરસાદ જારી રહેતા અનેક જગ્યાઓએ વિશાળ ભુવા પડી ગયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તર રેલવે દ્વારા અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે જેમાં ચંદીગઢ-અમૃતસર સુપરફાસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી દિલ્હી અમૃતસર, નવીદિલ્હી-જલંધર સિટી, ઇન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ભટીંડા-જમ્મુ તાવી એક્સપ્રેસના રુટ બદલી દેવામાં આવ્યા છે. આ ટ્રેન હવે વાયા જલંધર શહેરથી પસાર થશે. લુધિયાણાના અનેક ગામોમાં પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. સતલજ નદી નજીકના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.
પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ઉપરાંત રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં વરસાદ જારી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. પંજાબ, હરિયાણા અને હિમાચલમાં લોકોને સાવચેત રહેવા માટે હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.