હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે ૩૫ વિદ્યાર્થી ગુમ થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શિમલા: હિમાચલપ્રદેશમાં લાહોલ-સ્પિતીમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે આઇઆઇટી રૂરકીના ૩૫ વિદ્યાર્થીઓ લાપતા થઇ ગયા છે. આ વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય મળીને કુલ ૪૫ લોકો લાપતા થયા હોવાના હેવાલ મળ્યા છે. લાપતા થયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલી રહી છે. હિમાચલપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે સાથે હિમવર્ષા પણ થઇ છે. કુલ્લુ, કાંગડા અને ચંબામાં વરસાદ થયો છે. વરસાદ સંબંધિત જુદા જુદા બનાવોમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યા લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને પુરના કારણે તેમજ ભેખડો ઘસી પડવાના બનાવોના કારણે ૧૨માંથી ૧૦ જિલ્લા પ્રભાવિત થયા છે. મનાલીનો સંપર્ક અન્ય વિસ્તારોમાંથી કપાઇ ગયો છે.

બીજી બાજુ ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થતા જનજીવન પર અસર થઇ છે. હિમાચલપ્રદેશ ઉપરાંત, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રાને રોકી દેવામાં આવી છે. શિમલાથી પ્રાપ્ત હેવાલ મુજબ પુરના લીધે કાંગડા જિલ્લામાં એક પુરુષ અને કુલ્લુ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે.  કુલ્લુ જિલ્લા માટે હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નદીઓમાં પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. કુલ્લુના બજારામાં તણાઈ જવાથી યુવતીનું મોત થયું છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અમૃતસરમાં ભારે વરસાદ જારી રહેતા અનેક જગ્યાઓએ વિશાળ ભુવા પડી ગયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તર રેલવે દ્વારા અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે જેમાં ચંદીગઢ-અમૃતસર સુપરફાસ્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નવી દિલ્હી અમૃતસર, નવીદિલ્હી-જલંધર સિટી, ઇન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. ભટીંડા-જમ્મુ તાવી એક્સપ્રેસના રુટ બદલી દેવામાં આવ્યા છે. આ ટ્રેન હવે વાયા જલંધર શહેરથી પસાર થશે. લુધિયાણાના અનેક ગામોમાં પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. સતલજ નદી નજીકના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ઉપરાંત રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં વરસાદ જારી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે.

પંજાબ ઉપરાંત રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. હિમાચલ, પંજાબમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. પંજાબમાં સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત ટીમોને સક્રિય કરવામાં આવી છે. પંજાબના અમૃતસર, ગુરુદાસપુર, જલંધર, લુધિયાણા, ફતેગઢ, કપુરથલા, રોપર, પટિયાલા, મોહાલીમાં ભારે વરસાદ થયો છે. બીજી બાજુ હિમાચલના અનેક ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જમ્મુ કાશ્મીમાં કઠુઆ જિલ્લામાં એકાએક પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. પંજાબમાં સ્થિતીમાં સુધારો થયો નથી.

Share This Article