નવીદિલ્હી: દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે આજે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તમનગર, ધોળાકુવા અને આરકેપુરમમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ગુડગાંવના અનેક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્વીય અને મધ્ય દિલ્હી સહીત અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. પાલન વેદશાળામાં ચાર ઇંચ સુધી વરસાદ થયો છે. લોધીરોડ, સફદરજંગમાં પણ ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના લીધે દિલ્હી-જયપુર એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે છત ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું.
દિલ્હી-જયપુર હાઈવે ઉપર ત્રણ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી જેના લીધે યાત્રી વાહનો અટવાઈ પડ્યા હતા જેમાં બાળકો અને મહિલાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. હિરો હોન્ડા અન્ડરપાસ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવામાં આવતા બંને બાજુએ ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સંગમ વિહાર વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. ટ્રા
ફિક પોલીસના કહેવા મુજબ મોતીબાગ ફ્લાયઓવરની બંને બાજુએ પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા. બીજી બાજુ દિલ્હીમાં ભારે વરસાદ હજુ જારી રહેવાની શક્યતા છે. એનસીઆરના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે અને આ વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ દિલ્હીમાં સૌથી વધારે તકલીફ પડી હતી. કારણ કે, અહીં લોકો અટવાઈ પડ્યા હતા અને સવારમાં ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્કુલ જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.