નવી દિલ્હીઃ દેશમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં હજુ સુધી ૭૧૮થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે મોનસૂનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને વરસાદ સંબંધિત બનાવોમાં ભારે નુકસાન થયું છે.
ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૩૯ લોકોના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે બાવનથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જે રાજ્યોમાં પુરની સ્થિતિ અને ભારે વરસાદની સ્થિતિ રહી છે તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, નાગાલેન્ડનો સમાવેશ થાય છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં ૨૬થી વધુ લોકો હજુ લાપત્તા બનેલા છે. મહારાષ્ટ્રમાં ૨૬ જિલ્લાઓમાં વરસાદ અને પુરના કારણે અસર થઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૨ અને આસામમાં ૧૪ જિલ્લાઓને અસર થઈ છે.કેરળમાં ૧૪, ઉત્તરપ્રદેશમાં ૧૨, ગુજરાતમાં ૧૦ અને નાગાલેન્ડમાં ૧૧ જિલ્લાઓને અસર થઈ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આસામમાં ૧૧.૪૫ લાખ લોકોને પુર અને ભારે વરસાદની અસર થઈ છે જ્યારે ૨૭૫૫૨ હેકટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આંકડામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આસામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૫ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. એનડીઆરએફની એક ટીમમાં ૪૫થી વધુ કર્મચારીઓ હોય છે. એનડીઆરએફની આઠ ટીમો ઉત્તરપ્રદેશમાં, આઠ ટીમો પશ્ચિમ બંગાળમાં, સાત ટીમો ગુજરાતમાં, ચાર ટીમો કેરળમાં, ચાર ટીમો મહારાષ્ટ્રમાં અને એક ટીમ નાગાલેન્ડમાં લાગેલી છે.
હાલમાં કેરળમાં અભૂતપૂર્વ વરસાદના પરિણામ સ્વરૂપે લોકોની હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અડધાથી વધુ કેરળ પુરના સકંજામાં છે. કેરળમાં ૧૧ જિલ્લાઓમાં પુરના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ૫૦ હજારથી વધુ લોકોને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. સેંકડો રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. કેરળમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે. આવી સ્થિતિમાં કેરળમાં નુકસાનનો આંકડો વધી શકે છે.